News of Tuesday, 14th October 2025
બેન્ક ફ્રોડ કેસમાં ઈ.ડી.ના અમદાવાદમાં દરોડા: કાપડ કંપનીઓ પાસેથી રૂ. ૩ કરોડની જ્વેલરી અને રોકડ જપ્ત: રૂ. ૧૦.૯૫ કરોડના કૌભાંડનો ખુલાસો
પ્રવર્તન નિર્દેશાલય (ઈ.ડી.)ની અમદાવાદ ઝોનલ ઓફિસે બેન્ક ફ્રોડ કેસના સંબંધમાં અમદાવાદમાં છ જેટલા સ્થળો પર દરોડા

પ્રવર્તન નિર્દેશાલય (ઈ.ડી.)ની અમદાવાદ ઝોનલ ઓફિસે બેન્ક ફ્રોડ કેસના સંબંધમાં અમદાવાદમાં છ જેટલા સ્થળો પર દરોડા પાડ્યા છે.
આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (પી.એમ.એલ.એ.) હેઠળ ૮ ઑક્ટોબર અને ૯ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન ઈ.ડી. દ્વારા લગભગ રૂ. ૩ કરોડની કિંમતના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓના રૂ. ૨૩ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ્સ પણ સ્થગિત (ફ્રીઝ) કરવામાં આવી છે.
આ કેસ રૂ. ૧૦.૯૫ કરોડના બેન્ક ફ્રોડ સાથે સંબંધિત છે, જે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (હવે પંજાબ નેશનલ બેન્કમાં વિલીન)ની ફરિયાદના આધારે સી.બી.આઈ. દ્વારા નોંધાયેલ એફ.આઈ.આર. પર આધારિત છે.
તપાસ હેઠળની કંપનીઓમાં રણજીતકુમાર જે. લૂણીયાની માલિકીની ત્રણ ફર્મ્સ — શ્રી ઓમ ફેબ, શ્રી બાબા ટેક્સટાઇલ અને શ્રી લક્ષ્મી ફેબ — નો સમાવેશ થાય છે, જે ગ્રે ક્લોથના વેપાર સાથે સંકળાયેલી હતી.
આ કંપનીઓએ બોગસ દસ્તાવેજો રજૂ કરીને બેન્ક પાસેથી કેશ ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી અને તે ભંડોળનો ઉપયોગ વેપારના વિસ્તરણને બદલે વૈભવી જીવનશૈલી, અંગત સ્થાવર મિલકતો ખરીદવા અને સોનું-ચાંદી ખરીદવા જેવા બિન-વ્યવસાયિક હેતુઓ માટે કર્યો હતો તેઓ આક્ષેપ છે. ઈ.ડી. દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓના વિશ્લેષણ દ્વારા આર્થિક ગેરરીતિની વધુ તપાસ ચાલી રહી છે.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
