<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

પાટીદાર સમાજના પનોતા પુત્ર, દિગ્‍ગજ ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલનો જન્‍મદિનઃ ૬૩માં વર્ષમાં પ્રવેશ

સહજતા, સ્‍મિત, સત્‍ય અને સખાવતનો પર્યાય એવા

 

રાજકોટઃ એક સાચા વૈષ્‍ણવજન, દ્વારકાધીશના પરમભકત એટલે મૌલેશભાઈ ઉકાણી, પાટીદાર ભામાશા, દાનની સરવાણી જેના હાથથી સતત વહેતી રહે છે.  દાન આપવું એ મારૂ કર્તવ્‍ય છે એવા ભાવથી યોગ્‍ય સમયે, યોગ્‍ય જગ્‍યાએ, યોગ્‍ય પાત્રને આપેલ સાત્‍વિક દાન તેના મુંઠી ઉંચેરા વ્‍યકિતત્‍વનો પરિચય કરાવે છે.

લાડકવાયી દિકરીના લગ્નોત્‍સવ નિમિતે રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ગામમાં ભવ્‍ય-દિવ્‍ય વૃંદાવનધામ ઉભું કરી શ્રીનાથદ્વારાની ધ્‍વજાજીને રાજકોટ લાવી ભવ્‍ય શોભાયાત્રા યોજી નગરજનોને તેના દર્શનનો લ્‍હાવો આપ્‍યો, ત્રીદિવસીય મનોરથના ભવ્‍યાતિભવ્‍ય ધર્મ મહોત્‍સવને નાત-જાત, કોઈ સમાજના ભેદભાવ વગર, જાહેર જનતા માટે સર્વે કૃષ્‍ણભકતો માટે ખુલ્‍લો મુક્‍યો, આ અલૌકિક મનોરથ મહોત્‍સવ મૌલેશભાઇ એ રાજકોટને આપેલ અનન્‍ય યાદગાર સંભારણું બની રહયુ.

મૌલેશભાઈની વ્‍યવસાયિક પ્રોફાઇલ જોઇએ તો સૌરાષ્ટ્રના અંબાણી, દિગ્‍ગજ ઉદ્યોગપતિ કે જેઓ ખ્‍યાતનામ ઉદ્યોગ ગૃહ બાન લેબના માલીક છે. પ્રવર્તમાન સમયમાં લોકોમાં આયુર્વેદ પ્રત્‍યે જાગૃતતા જોવા મળે છે. ત્‍યારે વર્ષોથી બાન લેબ કંપની આપણા પ્રાચીન અણીશુધ્‍ધ વિજ્ઞાન આયુર્વેદ દ્વારા લોકોની જીવનશૈલી, સ્‍વાસ્‍થ્‍ય ને સુધારવા મેડીસિન, હેર કેર, કોસ્‍મેટીકસ જેવી અનેક પ્રોડકટોની વ્‍યાપક રેન્‍જ ધરાવે છે. ૧૯૬૬ માં માત્ર ૧૬ હજાર રૂપીયાના રોકાણથી પિતા ડો. ડી. કે. પટેલે શરૂ કરેલી આ કંપનીને મૌલેશભાઇએ આજે સફળતાના ઉતંગ શિખરે પહોંચાડી છે. જેની શાખાઓ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વના ૪૫ દેશોમાં ફેલાય છે. સામાન્‍ય માણસને પોસાય તેવા ભાવે શ્રેષ્ઠ ઉત્‍પાદનો પ્રદાન કરવા, અપાર લોકપ્રિયતા અને પ્રશંસા સાથે તેને સાત સાત શ્રેષ્ઠતા પુરસ્‍કારો પ્રાપ્ત થયા છે. ઝી બિઝનેસ ચેનલે તેને સૌથી વિશ્વનીય કંપનીઓમાંથી એક જાહેર કરી છે. ૨૧ મી સદીની શરૂઆતથી આ સંસ્‍થાએ તેના ઉત્‍સાહી અને મહેનતું મૌલેશભાઈ ઉકાણીના સક્ષમ નેતૃત્‍વ અને નિર્દેશન હેઠળ જે અપાર સફળતા હાંસિલ કરી છે. તે મેનેજમેન્‍ટના વિદ્યાર્થી માટે પણ કેશ સ્‍ટડી નો વિષય છે. સતત નવું આયુર્વેદ જેવા ટ્રેડીશ્નલ વિષયમાં પણ તેમના માર્ગદર્શનમાં સંશોધીત અનેક પ્રોડકટ એ વાતનો પુરાવો છે કે તેઓ ઇનોવેશનના માણસ છે. તેમનું હેર ઓઈલ સેસાએ રેકર્ડબ્રેક માર્કેટ મેળવ્‍યુ છે. કફ શરદી માટેની પ્રોડકટ ક્રસ ખૂબ સારા પરિણામ આપે છે. પેનથી લઇને ડીઓ સુધીની વિશાળ રેન્‍જ તેઓ ધરાવે છે. એનું આયુકલશ સીરપ હાર્ટ માટે અદભૂત છે. બાન લેબની જવલંત સફળતા એ છે કે વિશ્વસ્‍તરે સેસા અને તેવી અનેક પ્રીમીયમ બ્રાન્‍ડ લોકોનું આકર્ષણ અને લોકચાહના પામી છે.

 મૌલેશભાઈઅનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. દ્વારકા જગત મંદિર ના શ્રી દ્વારકાધીશ મંદિર એડમિનીસ્‍ટ્રેટીવ સમિતિના બોર્ડ મેમ્‍બર, પાટીદાર સમાજના આસ્‍થાસ્‍થાન એવા શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ-સિદસરના પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન-અમદાવાદ ના ટ્રસ્‍ટી, સરદારધામ વિશ્વ પાટીદાર સેન્‍ટર-અમદાવાદ ના ટ્રસ્‍ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના ટ્રસ્‍ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાના ઉપપ્રમુખ, કલબ યુવી નવરાત્રી મહોત્‍સવના એડવાઇઝરી ડાયરેકટર, ક્રિષ્‍ના સંસ્‍કાર વર્લ્‍ડ વીવાયઓના પ્રમુખ, સૌરાષ્ટ્ર કિડની રીસર્ચ ઈન્‍સ્‍ટીટયુટ રાજકોટના ટ્રસ્‍ટી, શ્રી સરદાર વલ્‍લભભાઈ પટેલ સ્‍મારક ટ્રસ્‍ટ- રાજકોટના ટ્રસ્‍ટી, સરગમ કલબ રાજકોટના સેક્રેટરી, લેંગ લાયબ્રેરીના ટ્રસ્‍ટી, સૌરાષ્ટ્ર કચ્‍છ ડ્રગ મેન્‍યુફેકચરિગ એસોસિએશનના પ્રમુખ, કચ્‍છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્‍સીલના ઉપપ્રમુખ, ફુલછાબ માનવ સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના ટ્રસ્‍ટી, પટેલ સેવા સમાજ- રાજકોટ ટ્રસ્‍ટી, ગુજરાત સ્‍ટેટ રોલ બોલ બેરીંગ એસોસીએશનના પ્રેસીડન્‍ટ, ગુજરાત સ્‍ટેટ બાસ્‍કેટબોલ એસોસીએશનના પ્રેસીડન્‍ટ, દિકરાનું ધર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી, આર.કે.યુનિવર્સીટીના ગવર્નીંગ બોડી મેમ્‍બર, સહીત ૨૦૦ થી વધુ સંસ્‍થાઓ સાથે તેઓ સક્રિય છે.

કોરોનાકાળમાં રેશનકીટ વિતરણ હોય કે હરીદ્વારમાં ગરીબોને મફત સાયકલ રીક્ષા આપીને પગભર કરવાનું કામ હોય, મૌલેશભાઈ ના હાથમાંથી દાનની સરવાણી સતત વહેતી જ રહે છે. ગામડાઓમાં શાળાઓ બંધાવી, વિવિધ સંસ્‍થાઓ માટે મકાનો બનાવી આપવાની સખાવત હોય કે દ્વારકા અને સોમનાથમાં યાત્રાળુઓ માટે સમાજ બંધાવાનું કામ હોય. મૌલેશભાઈ છુટા હાથે સખાવત આપતા રહે છે. વિવિધ ક્ષેત્રમાં અનેક એવોર્ડ મેળવવા છતાં તેઓ સદા હળવાકુલ રહ્યા છે.

સદા હસતો ચહેરો, યુવાનોને શરમાવે તેવી સ્‍કૂરર્તી, જેને મળતા જ સામેવાળો ખુશ થઇ જાય, મોં પર પહોળું સ્‍મિત, ચહેરા પર આનંદ, અવાજમાં ઉષ્‍મા, આંખમાં ચમક, અને પરમ શાંતિનું આભામંડળ હોય, મૌલેશભાઇને કયારેય કોઇએ નિસ્‍તેજ, મૂડલેસ, થાકેલા, કંટાળેલા કે ઉતાવળમાં નહીં જોયા હોય, અજાતશત્રુ એવા મૌલેશભાઈને ડગાવવા માટે ન તો સંજોગો સક્ષમ છે કે ન કોઇ મનુષ્‍ય, તેમને આપણે સફળ બિઝનેસમેન તરીકે જ નહી પણ સેવાના ભેખધારી ઓલિયા તરીકે ઓળખીએ છીએ. આજે તેમના જન્‍મદિવસે તેઓને શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે. (મો.૯૮૨૪૪ ૦૦૯૦૦).

(9:38 AM IST)