News of Tuesday, 14th October 2025
પ્રત્યક્ષ કરની ચોખ્ખી આવક ૬% વધી રૂ.૧૧.૮૯ લાખ કરોડ નોંધાઈ
કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં થયેલાં વધારા તથા ધીમાં રિફંડને પગલે

નવી દિલ્હી તા.૧૪: કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં થયેલાં વધારા તથા ધીમાં રિફંડને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરની ચોખ્ખી વસૂલાત ૬.૩૩ ટકા વધી ૧૧.૮૯ લાખ કરોડ નોંધાઈ હતી. ૧ એપ્રિલથી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં રિફંડ જારી કરવાની કામગીરી ૧૬ ટકા ઘટી ૨.૦૩ લાખ કરોડ રહેવા પામી હતી. ૧ એપ્રિલથી ૧૨ ઓક્ટોબર સુધીમાં કોર્પોરેટ ટેક્સની વસૂલાત રૂા.૫.૦૨ લાખ કરોડ નોંધાઈ હતી, જે અગાઉના સમાન સમયગાળા દરમિયાન રૂા.૪.૯૨ લાખ કરોડ રહેવા પામી હતી.
વ્યક્તિગત અને હિન્દુ અનડિવાઈડેડ ફેમિલિસ (એચયુએફ)ને આવરી લેતાં નોન-કોર્પોરેટ ટેક્સની વસૂલાત ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂા.૬.૫૬ લાખ કરોડ રહેવા પામી હતી. ગત વર્ષે સમાન સમયગાળામાં આ કર વસૂલાત રૂા.૫.૯૪ કરોડ થઈ હતી.
સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)ની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળાના રૂા.૩૦,૬૩૦ કરોડથી વધીને રૂા.૩૦,૮૭૮ કરોડ નોંધાઈ હતી. ચાલુ નાણાકીય વર્ષે ૧૨ ઓક્ટોબર સુધીમાં વ્યક્તિગત આવકવેરા તથા કોર્પોરેટ ટેક્સને આવરી લેતાં પ્રત્યક્ષ કરની ચોખ્ખી વસૂલાત વાર્ષિક ધોરણે ૬.૩૩ ટકાની વૃદ્ધિ સાથે રૂા.૧૧.૮૯ લાખ કરોડ નોંધાઈ હતી. જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂા.૧૧.૧૮ લાખ કરોડ નોંધાઈ હતી.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
