<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ગુજરાત મંત્રીમંડળ વિસ્‍તરણ ફેરબદલનું કાઉન્‍ટડાઉન

સીએમ-પ્રદેશ પ્રમુખની દિલ્‍હી દરબારમાં પીએમ-ગૃહમંત્રી સાથે બંધબારણે લંબાણ પૂર્વક બેઠકથી અટકળોને વેગ બેઠકમાં મંત્રીમંડળના વિસ્‍તરણ ઉપરાંત ભાજપની નવી ટીમ સહિત રાજકીય પરિસ્‍થિતિની ચર્ચાઃ સૌરાષ્‍ટ્રમાં ‘‘આપ''નો પ્રભાવ વધતાં તેની પણ ચર્ચા

ગાંધીનગર તા.૧૪: (વિજય વસાણી દ્વારા) ગુજરાતના રાજકારણમાં જલ્‍દી જ નવાજૂની થવાની છે. બસ એ દિવાળી પહેલા થશે કે દિવાળી પછી થશે તેની કોઈને ખબર નથી. પરંતું આ વચ્‍ચે દિલ્‍હીમાં ગુજરાતના નેતાઓનો બેઠકોનો લઈને જે દોર ચાલી રહ્યો છે, તેનાથી ગુજરાત ભાજપના ખેમામાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે પ્રધાનમંત્રી નિવાસસ્‍થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ, જેપી નડ્ડા અને સીઆર પાટીલ ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં સંભવત ગુજરાતના નવા મંત્રીમંડળની ચર્ચા થયાની શક્‍યતા છે.

ગઈકાલે દિલ્‍હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્‍થાને બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નિવાસસ્‍થાને યોજાયેલી મહત્‍વપૂર્ણ બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી. ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરબદલ અંગે સૂત્રો દ્વારા ચર્ચા થઈ રહી છે. પ્રધાનમંત્રી નિવાસસ્‍થાને ઉચ્‍ચ સ્‍તરીય બેઠકમાં ગુજરાતના મંત્રીમંડળમા ફેરબદલ અને સરદાર પટેલ જયંતી પર ચર્ચા થઈ હોવાનું સૂત્રોનું કહેવું છે.

પ્રધાનમંત્રી નિવાસસ્‍થાને ચાલી રહેલી બેઠકમાં ઘણા મહત્‍વપૂર્ણ રાજકીય અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ગુજરાત સરકારમાં સંભવિત ફેરબદલ પર પણ ચર્ચા થઈ હતી. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ, રાજ્‍યમાં મંત્રીમંડળ વિસ્‍તરણ અથવા ફેરબદલની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

એવું માનવામાં આવે છે કે મુખ્‍યમંત્રી અને પાર્ટી નેતૃત્‍વ વચ્‍ચે આજે આ મુદ્દા પર અંતિમ ચર્ચા થઈ હતી. મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ થાય તેવી શક્‍યતા છે, જ્‍યારે કેટલાક મંત્રીઓની જવાબદારીઓ બદલાઈ શકે છે. તેમજ આ બેઠકમાં સરદાર વલ્‍લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે કેવડિયામાં યોજાનારા ભવ્‍ય કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ૩૧ ઓક્‍ટોબરે કેવડિયાના એકતા નગરમાં યોજાનારા આ કાર્યક્રમનું આયોજન કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક રાજ્‍યોના પ્રદર્શનો, અર્ધલશ્‍કરી દળોની હાજરી અને દેશભરના પ્રતિનિધિઓની ભાગીદારીનો સમાવેશ થશે.

મંત્રીમંડળનું વિસર્જન દિવાળી પહેલાં થશે કે પછી, તે વાત સચિવાલય અને વિધાનસભા સંકુલમાં હાલની સૌથી મોટી ચર્ચા છે. ત્‍યારે આ વચ્‍ચે ગુજરાતના મુખ્‍યમંત્રીના દિલ્‍હી પ્રવાસે ફરી એકવાર ચર્ચા જગાવી છે. ૪૦ દિવસમાં જ બીજીવાર પીએમ અને સીએમની મુલાકાતને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. છેલ્‍લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્‍તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં નામોની ચર્ચા થઈ રહી છે. તો કેટલાક મંત્રીઓને તેમની ગાદી જવાની સો ટકા શક્‍યતા છે. આવામાં મંત્રીમંડળમા કોણ ઈન થશે અને કોણ આઉટ થશે તેના પત્તા જલ્‍દી જ ખૂલી જશે તેવું લાગી રહ્યું છે.

ગુજરાત ભાજપના પ્રમુખ પદે સહકાર રાજ્‍યમંત્રી જગદીશ વિશ્વકર્માની નિયુક્‍તિ પછી સંગઠનની નવી ટીમની સાથોસાથ મંત્રીમંડળની પુર્નરચના હવે ગમે ત્‍યારે થઈ શકે છે એવી શક્‍યતાઓ છે. આ શક્‍યતાઓ વચ્‍ચે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને નવા પ્રમુખ વિશ્વકર્માએ સોમવારે બપોરે નવી દિલ્‍હીની વાટ પકડતાં હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થશે એવી પૂરેપૂરી શક્‍યતા છે. ગુજરાતના બંને નેતાએ સંગઠન મહામંત્રી રત્‍નાકરને સાથે લઈને દિલ્‍હીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સાથે કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને કેન્‍દ્રીય મંત્રી સી.આર પાટીલની ઉપસ્‍થિતિમાં સંભવિત નવી ટીમ, મંત્રીમંડળમાં ફેરફારોના સમીકરણો તથા આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પૂર્વે કેવા પ્રકારની પૂર્વ તૈયારીઓ શરૂ કરવી તેવા પ્રમુખ મુદ્દાઓને લઇ વિસ્‍તૃત મંથન થયું હોવાનું જાણવા મળે છે.

એક પખવાડિયા પૂર્વે જ રાષ્ટ્રીય નેતૃત્‍વ દ્વારા પ્રદેશ ભાજપના નવા પ્રમુખપદે સહકાર રાજ્‍યમંત્રી જગદીશ વિશ્વકર્માની પસંદગીને મંજૂરી અપાઈ હતી. વિશ્વકર્માએ કેન્‍દ્રીય જળશક્‍તિમંત્રી બનેલા સી.આર. પાટીલ પાસેથી નવો પદભાર સંભાળ્‍યા બાદ હાલ જિલ્‍લાના પ્રવાસોમાં હતા. જ્‍યારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ વિકાસ સપ્તાહની ઉજવણીને લઇ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા. એની વચ્‍ચે રાષ્ટ્રીય નેતૃત્‍વનું તેડું આવતાં બંને નેતાઓ, સંગઠન મહામંત્રી નવી દિલ્‍હી પહોંચ્‍યા હતા. સોમવારે સાંજે ૬ વાગે વડાપ્રધાન મોદીના નિવાસસ્‍થાને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્‍થિતિમાં બેઠક યોજી હતી. બંને રાષ્ટ્રીય નેતૃત્‍વએ નવનિયુક્‍ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માને શુભકામનાઓ પાઠવી હતી. જાણકારોના કહેવા પ્રમાણે, આ બેઠકમાં સંગઠનની નવી ટીમ રચવી કે હાલની ટીમમાં ફેરફાર કરવો તેના અંગે ચર્ચા થઈ હતી. મંત્રીમંડળમાં કયા ચહેરાને ઉમેરવા તથા કોને પડતાં મૂકવા અંગે પણ રાજકીય સમીકરણોને ધ્‍યાનમાં રાખીને મંથન કર્યું હતું. કેન્‍દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહ રવિવારે રાત્રે અમદાવાદ આવનાર છે.

આગામી વર્ષની શરૂઆતમાં સ્‍થાનિક સંસ્‍થાઓની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, પક્ષ સંગઠનને મજબૂત બનાવવાની ચર્ચાઓ થઈ રહી છે. રાજ્‍યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં AAPનો પ્રભાવ વધી રહ્યો છે, ભાજપે પ્રદેશ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે.

નોંધનીય છે કે વડા પ્રધાન સરદાર વલ્‍લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્‍ટોબરે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

SoU ખાતે રજવાડાંના વારસા અંગેના મ્‍યુઝિયમનું ખાતમુહૂર્ત થશે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સરદાર પટેલની જન્‍મજયંતી નિમિત્તે ૩૧મીએ સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં હાજરી આપવા આવનાર છે. વડાપ્રધાન ૩૦મીએ એસઓયુ પહોંચી જશે. ૩૧મીએ સવારે એકતા પરેડ બાદ તેઓ અંદાજિત રૂ.૧૦૦૦ કરોડના વિવિધ પ્રોજેક્‍ટ્‍સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. એમાં સરદાર પટેલની પ્રતિમા નજીક જ ત્રણથી વધુ ગેલરી સાથે સરદાર પટેલે દેશના ૬૦૦થી વધુ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એ તમામના વારસાને પ્રદર્શિત કરતું મ્‍યુઝિયમ, એક પાર્ક સહિતના અનેક નવા આકર્ષણોના પ્રોજેક્‍ટ્‍સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 

(10:48 AM IST)