News of Tuesday, 14th October 2025
જીએસટી પોર્ટલ ઉપર આખરે વાર્ષિક રિટર્નના ફોર્મ અપલોડ કરવામાં આવ્યા
વાર્ષિક રિટર્ન ભરતી વખતે ફરજિયાત આઇટી ઓડિટ રિટર્ન અપલોડ કરવું જરૂરી

મુંબઇ તા.૧૪: સામાન્ય સંજોગોમાં સપ્ટેમ્બર માસમાં જીએસટી વાર્ષિક રિટર્ન માટેના ફોર્મ ૯ અને ૯સી પોર્ટલ પર આવતા હો છે. જયારે ચાલુ વર્ષે ૧૩ ઓક્ટોબરના રોજ ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે.
આઇટી ઓડિટ રિટર્ન ભરવામાં આવ્યા બાદ જીએસટી વાર્ષિક રિટર્ન ભરવા માટે ઓછોમાં ઓછો બે અને વધુમાં વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવતો હોય છે. જ્યારે ચાલુ વર્ષે એક જ મહિનાનો સમય વેપારીઓને મળવાનો છે, કારણ કે આઇટી ઓડિટ રિટર્ન ભરવાની મુદત ૩૧ ઓક્ટોબર કરવામાં આવી છે. પરંતુ તેની મુદત વધારવા માટે અલગ અલગ રાજ્યમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેના કારણે ઓડિટ રિટર્નની મુદતમાં વધારો થવાની શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે. પરંતુ તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જેથી ૩૧ ઓક્ટોબરના રોજ ઓડિટ સાથેનું આઈટી રિટર્ન ભરાયા બાદ જ જીએસટીમાં વાર્ષિક રિટર્ન ભરી શકશે. તે માટેનું કારણ એવું છે કે વાર્ષિક રિટર્ન ભરતી વખતે આઈટી ઓડિટ રિટર્ન પોર્ટલ પર અપલોડ કરવાનો હોય છે. તે અપલોડ થાય તો જ રિટર્ન ભરી શકાય છે. તેના સિવાય રિટર્ન ભરી શકાતું નથી. જોકે સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટમાં એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે જેવી રીતે આઇટી ઓડિટ રિટર્ન ભરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. તેવી જ રીતે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવા માટે પણ પૂરતો સમય મળવાનો નથી, કારણ કે પહેલા તેઓને ત્રણ મહિનાનો સમય મળતો હતો. જ્યારે ચાલુ વર્ષે બે જ મહિનાનો સમય મળવાનો છે. તેમાં પણ જો મુદત વધારવામાં આવે તો એક જ મહિનાનો સમય મળી શકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમ છતાં જીએસટી વાર્ષિક રિટર્ન ભરવા માટેના ફોર્મ અપલોડ થવાના કારણે હવે વેપારીઓની સાથે સાથે ટેક્સ કન્સલ્ટન્ટ અને સીએ દ્વારા પણ તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવનાર છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
