<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

હવે કાર ચોરી થતા અટકી જશે :માત્ર OTPથી કારના એન્જિનને રિમોટલી બંધ કરી શકશો : જાણો સ્વદેશી Mapples એપના નવા ફીચર્સના ફાયદા

આ સ્વદેશી Mappls એપ સાથે ટ્રેકર્સ સુસંગત હોય છે. આખું સેટઅપ કરાવ્યા પછી, યુઝર્સ ઘરે બેઠા કારનું એન્જિન, ઇંધણ (ફ્યુઅલ) સપ્લાય વગેરે બંધ કરી શકે છે

નવી દિલ્હી : ZOHOના મેસેજિંગ એપ Arattaiની જેમ જ, હવે સ્વદેશી મેપિંગ એપ્લિકેશન Mapplsને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે, જેના પગલે કંપનીના શેરમાં લગભગ 10%નો ઉછાળો આવ્યો છે. જોકે, અહીં અમે તેના શેર નહીં પણ એપ્લિકેશનના એક ખાસ ફીચર વિશે વાત કરીશું જે તમારી કારને ચોરોથી દૂર રાખવામાં મદદરૂપ થશે.

આ એપમાં Immobiliser નામનું એક વિશેષ સુરક્ષા ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે સરળતાથી તમારી કારના એન્જિનને રિમોટલી (દૂરથી) બંધ કરી શકો છો. આ માટે તમારે સુરક્ષાના ભાગરૂપે પાસવર્ડ અથવા OTP દાખલ કરવો પડશે..

આ એપ MapMyIndia બ્રાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને MapMyIndiaના ઘણા GPS કાર ટ્રેકર્સ માર્કેટમાં ઉપલબ્ધ છે જે આ ચોરી વિરોધી સેવાને સપોર્ટ કરે છે. આ સ્વદેશી Mappls એપ સાથે ટ્રેકર્સ સુસંગત હોય છે. આખું સેટઅપ કરાવ્યા પછી, યુઝર્સ ઘરે બેઠા કારનું એન્જિન, ઇંધણ (ફ્યુઅલ) સપ્લાય વગેરે બંધ કરી શકે છે.

 

 

ઇમોબિલાઇઝર કારના ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU)ને નિયંત્રિત કરે છે. સામાન્ય રીતે, કારની ચાવીમાં રહેલી ટ્રાન્સપોન્ડર ચિપ ECUને એક ખાસ કોડ મોકલે છે. જો કોડ સાચો હોય, તો જ ECU એન્જિનને ચાલુ થવાની પરવાનગી આપે છે. જો કોડ ખોટો હોય, તો ECU ઇંધણ સપ્લાય રોકી દે છે, જેનાથી કારનું એન્જિન ચાલુ થતું નથી.

આ ફીચરનો ઉપયોગ કરવા માટે, કારમાં Mappls સાથે સુસંગત GPS ટ્રેકર ઇન્સ્ટોલ કરાવવું જરૂરી છે, જેમાં એન્જિન સ્વીચ ઑફ કરવાની ક્ષમતા હોય.

 

જ્યારે તમે એપ દ્વારા કમાન્ડ આપો છો, ત્યારે GPS ટ્રેકર કારમાં લાગેલા ઇમોબિલાઇઝરને આદેશ આપે છે, જેના પરિણામે કારનું એન્જિન, ઇંધણ સપ્લાય અને સ્ટાર્ટર બંધ થઈ જાય છે.

 

Mappls મોબાઇલ એપ્લિકેશન પર GPS ટ્રેકરનો સંપૂર્ણ એક્સેસ મળે છે. આનાથી કારનું ચોક્કસ લોકેશન જાણી શકાય છે અને જો કોઈ છૂપી રીતે કાર ચાલુ કરે તો તુરંત મોબાઇલ પર એલર્ટ આવી જાય છે. જો તમે રિમોટલી કારનું એન્જિન બંધ કર્યું હોય અને કાર સુરક્ષિત રીતે પાછી મળી જાય, તો તમે એપ દ્વારા રિએક્ટિવેશન  ફીચરને ઓન કરી શકો છો, જેના પછી કારનું એન્જિન ફરીથી ચાલુ કરી શકાય છે

(6:34 PM IST)