<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ભોપાલ નજીક ૧૦૦ મીટરના રસ્તામાં ભુવો પડ્યો : જેના કારણે ૩૦ ફૂટ ઊંડો ખાડો પડ્યો

જે રાજ્યની રાજધાનીને ઇન્દોર, હોશંગાબાદ, જબલપુર, જયપુર, મંડલા અને સાગર જેવા મુખ્ય શહેરો સાથે જોડે છે

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ નજીક લગભગ ૧૦૦ મીટરનો મુખ્ય રસ્તો ખાડામાં ધસી પડ્યો છે. અકસ્માતને કારણે રસ્તા પર ૩૦ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. સદનસીબે, અકસ્માત સમયે કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું, તેથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના સોમવારે બપોરે ૧૨ થી ૧ વાગ્યાની વચ્ચે મંડીદીપથી ઇંટખેડી તરફ જતા પુલ પાસે બની હતી.

ભોપાલ પૂર્વીય બાયપાસ પર બિલખીરિયા ગામ નજીકનો આ રસ્તો મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MPRDC) હેઠળ આવે છે, જે રાજ્યની રાજધાનીને ઇન્દોર, હોશંગાબાદ, જબલપુર, જયપુર, મંડલા અને સાગર જેવા મુખ્ય શહેરો સાથે જોડે છે.

આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તાની બાજુમાં આવેલી રિટેનિંગ વોલ (RE વોલ) તૂટી પડતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ રસ્તાની ગુણવત્તા અને પુલના બાંધકામ પર સવાલ ઉઠાવવા લાગ્યા. આ પુલ 2013 માં પૂર્ણ થયો હતો.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે RE વોલ ધરાશાયી થવાનું કારણ હતું. પરંતુ વિગતવાર કારણ તપાસ પછી જ બહાર આવશે." રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે, જેમાં MPRDCના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એન્જિનિયર બીએસ મીણા, જનરલ મેનેજર મનોજ ગુપ્તા અને આરએસ ચંદેલનો સમાવેશ થાય છે.

આ સમિતિ અકસ્માત પાછળનું વાસ્તવિક કારણ નક્કી કરશે અને સરકારને રિપોર્ટ સુપરત કરશે. MPRDCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "જો રિપોર્ટમાં બેદરકારી કે અનિયમિતતા જોવા મળશે, તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

આ પુલ 2013 માં મેસર્સ ટ્રાન્સટ્રોય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) મોડેલ હેઠળ બનાવવામાં આવ્યો હતો. જોકે, શરતો પૂર્ણ ન થવાને કારણે 2020 માં કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. ત્યારથી, રસ્તાની જાળવણી માટે કોઈ એજન્સીને સોંપવામાં આવી નથી. MPRDC દ્વારા ફક્ત નાના સમારકામનું કામ કરવામાં આવી રહ્યું હતું.

પ્રશાસને ક્ષતિગ્રસ્ત ભાગને બેરિકેડ કરી દીધો છે અને રસ્તાની એક બાજુ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ટ્રાફિકને અન્ય માર્ગો તરફ વાળવામાં આવ્યો છે. સોમવારે સાંજે સ્થળ પર સમારકામ અને માટી સ્થિરીકરણનું કામ શરૂ થયું.

 

(7:41 PM IST)