<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

રાજસ્થાનના જૈસલમેરમાં 57 મુસાફરો ભરેલ ખાનગી બસમાં અચાનક ભીષણ આગ: 20થી વધુ લોકોના મોત

ફટાકડાના કારણે આગ લાગી હોવાનો હેવાલ : મિનિટોમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ:ચીચીયારીઓથી રોડ ગૂંજી ઉઠ્યો: મુખ્યમંત્રી ભજનલાલ ઘટના સ્થળે પહોંચ્યા

રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે 57 મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની, જેના કારણે 20થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. ઘટનાના પગલે મુખ્યમંત્રી ભજનલાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ ગમખ્વાર ઘટના જૈસલમેર-જોધપુર હાઈવે પર બપોરે બની હતી. માહિતી મુજબ બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા. જૈસલમેરથી ઉપડેલી બસ લગભગ 20 કિલોમીટર દૂર પહોંચી, ત્યારે તેમાં અચાનક પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવર બસ ઉભી રાખે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મિનિટોમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. બસમાં અફરાતરફી મચી હતી અને ચીચીયારીઓથી રોડ ગૂંજી ઉઠ્યો હતો. આસપાસમાંથી પસાર થતાં મુસાફરોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા.

રિપોર્ટ મુજબ, ખાનગી બસમાં ફટાકડાનું ગેરકાયદે પરિવહન કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે.

 

આગ લાગતાની સાથે જ મુસાફરોએ બચવા માટે બારીઓ તોડીને બહાર કૂદવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મદદ શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. દાઝી ગયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે ગંભીર રીતે દાઝેલા લોકોને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.

આ દુઃખદ ઘટના પર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કલેક્ટર અને એસપી સાથે ફોન પર વાત કરીને પીડિતોને તમામ સંભવિત મદદ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી ઘટનાની સતત માહિતી લઈ રહ્યા છે અને પોતે પણ સ્થળની મુલાકાત લેવા માટે જૈસલમેર પહોંચ્યા હતા. 

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે કે, ‘ભીષણ આગ લાગવાથી અનેક લોકોના જાનહાનિના ચિંતાજનક સમાચાર મળ્યા છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઓછામાં ઓછું નુકસાન થાય અને દાઝેલા લોકોને જલ્દી સ્વાસ્થ્ય લાભ મળે.’

(11:10 PM IST)