<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

વેનેઝુએલાના દરિયાકાંઠે ડ્રગ બોટ પર અમેરિકાનો હુમલો: ટ્રમ્પનો દાવો - છ આતંકીઓ માર્યા ગયા, વેનેઝુએલા-અમેરિકા વચ્ચે તણાવમાં વધારો

વોશિંગ્ટન: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેની દુશ્મનાવટ વધુ ઘેરી બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકી સેનાએ વેનેઝુએલાના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ડ્રગ્સની હેરાફેરી કરતી એક બોટ પર હુમલો કર્યો છે, જેમાં છ ડ્રગ-આંતકવાદીઓ - નાર્કો ટેરરિસ્ટ માર્યા ગયા છે.

ટ્રમ્પે આ હુમલાનો બચાવ કરતા કહ્યું કે બોટમાં "અમેરિકાના અનેક લોકોને મારવા માટે પૂરતો" માદક દ્રવ્યોનો મોટો જથ્થો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી ડ્રગ કાર્ટેલ સામે કરવામાં આવી છે જે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની સરકારના નિયંત્રણ હેઠળ કામ કરે છે. 

અમેરિકા દ્વારા આ પ્રકારનો સૈન્ય હુમલો અભૂતપૂર્વ માનવામાં આવે છે. ભૂતકાળમાં, કોસ્ટ ગાર્ડ દ્વારા બોટને અટકાવીને ડ્રગ્સ જપ્ત કરવામાં આવતા હતા. ટ્રમ્પે ચેતવણી આપી છે કે આ પ્રકારની ડ્રગ હેરાફેરી સહન કરવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહી શકે છે. 

વેનેઝુએલાએ આ હુમલાને "નાગરિકો પર સૈન્ય હુમલો" ગણાવીને તેની ટીકા કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે.

(9:32 AM IST)