News of Thursday, 16th October 2025
કેદારનાથમાં રોપ વે પ્રોજેક્ટનું બાંધકામ અદાણી ગ્રુપને સોંપાયું : 9 કલાકની યાત્રા હવે 40 મિનિટમાં થશે પૂર્ણ
અદાણીની કંપની 29 વર્ષ સુધી આ પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી કરશે:આ રોપવે પ્રોજેક્ટનું નિરીક્ષણ નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

કેદારનાથની યાત્રા કરતા યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટું પગલું ભર્યું છે. આ માર્ગ પર ચાલતા યાત્રાળુઓને ટૂંક સમયમાં મોટી રાહતનો અનુભવ થશે અને યાત્રા સરળ બનશે. હાલમાં 9 કલાક ચાલીને મંદિર સુધી પહોંચવામાં આવે છે પણ હવે માત્ર 40 મિનિટમાં આ અંતર પૂર્ણ થશે.
યાત્રાળુઓ યાત્રા દરમિયાન મુશ્કેલ ચઢાણ ટાળી શકશે. કેદારનાથ રોપવે પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા અને સર્વેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. રોપવે કાર્યરત થઈ ગયા પછી યાત્રાળુઓને બાબાના મંદિર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. ઉત્તરાખંડના 4 પવિત્ર તીર્થસ્થાનો પૈકીના એક, કેદારનાથ ખાતે ભક્તોને ટૂંક સમયમાં રોપવેની સુવિધા મળશે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેનો ખર્ચ ₹4,000 કરોડથી વધુ થવાનો અંદાજ છે. સરકારે આ પ્રોજેક્ટનું બાંધકામ અદાણી ગ્રુપને સોંપ્યું છે. કંપની આગામી 5 વર્ષમાં રોપવે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. વધુમાં કંપની 29 વર્ષ સુધી આ પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી કરશે. આ રોપવે પ્રોજેક્ટનું નિરીક્ષણ નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
કેદારનાથ ધામમાં બનનારો રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. આ પ્રોજેક્ટ હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધીનો રોપવે બનાવવામાં આવશે. કેદારનાથ ધામ સુધીનો ટ્રેક આશરે 16 કિલોમીટરનો છે, જેમાં સામાન્ય રીતે 8થી 9 કલાકનો સમય લાગે છે. જોકે, રોપવે પૂર્ણ થયા પછી આ અંતર કાપવામાં ફક્ત 35થી 40 મિનિટનો સમય લાગશે. રોપવે પ્રોજેક્ટને વધુ અનુકૂળ અને આરામદાયક બનાવવા માટે આધુનિક મોનોકેબલ ડિટેચેબલ ગોંડોલા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી રોપવે કેબલનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે. ચાર ધામ યાત્રા દરમિયાન કેદારનાથમાં સૌથી વધુ સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
