<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

નક્સલવાદના ખાત્મા તરફ મોટું પગલું: બીજાપુરમાં ૧૩૦ નક્સલીઓ ૭૦થી વધુ હથિયારો સાથે કરશે આત્મસમર્પણ! ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં સમારોહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે દેશ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલ મુક્ત થઈ જશે: મોટા પાયે થઈ રહેલી શરણાગતિ લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું

 

બીજાપુર, છત્તીસગઢ, તા. ૧૬ : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં શાંતિની લહેર પ્રસરી રહી છે. ટૂંક સમયમાં જ રાજ્યના બીજાપુર જિલ્લામાં દેશનો સૌથી મોટો નક્સલી શરણાગતિ સમારોહ યોજાવાના અહેવાલ છે. ગુરુવારે, નક્સલી પ્રવક્તા અને DKSZC નેતા રૂપેશ ઉર્ફે સતીશ તેના ૧૩૦ સાથીઓ સાથે ભૈરમગઢ (બીજાપુર) માં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે જંગલ છોડીને નીકળી ગયા છે.

સૂત્રોના મતે, માઓવાદીઓની આ આખી ટીમ ૭૦થી વધુ હથિયારો સાથે ઇન્દ્રાવતી નદી પાર કરીને ભૈરમગઢ પહોંચશે.

અમિતભાઈ શાહ અને સીએમ સાંઈની હાજરીમાં સમારોહ!
મળતી માહિતી મુજબ, બીજાપુર અને કાંકેરના નક્સલીઓ માટેનો સંયુક્ત શરણાગતિ સમારોહ બસ્તર વિભાગના જગદલપુરમાં યોજવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ખાસ હાજર રહેશે. મુખ્યમંત્રી સાંઈ આજે બિહારના પ્રવાસે હોવાથી, આ ઐતિહાસિક શરણાગતિ સમારોહ ૧૭ ઓક્ટોબરના રોજ યોજાઈ શકે છે.

ગૃહમંત્રી વિજય શર્માનું નિવેદન: 'લાલ જાજમ' પાથરીને સ્વાગત!
છત્તીસગઢના ગૃહમંત્રી વિજય શર્માએ આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે મોટી સંખ્યામાં સશસ્ત્ર નક્સલીઓ મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે આત્મસમર્પણ કરવા આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "પુનર્વસિત નક્સલીઓનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બસ્તરના લોકો હવે લાલ આતંક ઇચ્છતા નથી."

શર્માએ આશા વ્યક્ત કરી કે કાંકેર અને માડ પ્રદેશ હવે નક્સલ મુક્ત થવાની કગાર પર છે, અને સુકમા તથા નારાયણપુર જેવા જિલ્લાઓ પણ ઝડપથી મુક્ત થઈ રહ્યા છે.

૪૮ કલાકમાં ૧૩૮ નક્સલીઓની શરણાગતિ: સંગઠનને મોટો ફટકો
છેલ્લા ૪૮ કલાકમાં, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં કુલ ૧૩૮ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી છે, જે નક્સલી સંગઠનોને મોટો ફટકો છે:

• મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલી નેતા સોનુ દાદા સહિત ૬૧ સાથીઓએ આત્મસમર્પણ કર્યું.

• સુકમા જિલ્લામાં ૨૭ નક્સલીઓએ વહીવટીતંત્ર સમક્ષ આત્મસમર્પણ કર્યું.

• કાંકેર જિલ્લાના BSF કેમ્પમાં એક દિવસ પહેલા જ ૫૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે દેશ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલ મુક્ત થઈ જશે, અને આ મોટા પાયે થઈ રહેલી શરણાગતિ એ લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

 

(5:05 PM IST)