<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સૌરાષ્‍ટ્રમાંથી ૮ મંત્રીઓઃ રાજકીય મહત્‍વ

રાજકોટ, તા. ૧૭: મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નવા મંત્રી મંડળમાં સૌરાષ્‍ટ્રમાંથી ૮ ધારાસભ્‍યોને સ્‍થાન મળ્‍યુ છે. સૌરાષ્‍ટ્રના કદમાં વધારો થયો છે. જેમાં કુંવરજી બાવળીયા, અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, પ્રધ્‍યુમન વાજા, જીતુ વાઘાણી, પરસોતમ સોલંકી, કાંતિલાલ અમૃતિયા અને રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી. ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતળત્‍વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્‍તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ ૨૬ મંત્રીની યાદી જાહેર કરાઈ છે. ૧૬ ઓક્‍ટોબર, ગુરુવારે રાજ્‍યના ૧૬ મંત્રીએ રાજીનામા આપ્‍યા બાદ આજે સવારે (૧૭ ઓક્‍ટોબર) ૧૧:૩૦ કલાકે મહાત્‍મા મંદિરમાં શપથવિધિ થાય છે.  આ પહેલાં ગાંધીનગરમાં રાજભવનમાં આજે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે મુલાકાત કરી હતી.

નવા મંત્રીમંડળમાં ૮ પાટીદાર નેતા અને ત્રણ મહિલા

ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં ૮ ઓબીસી, ૩ એસસી, ૪ એસટી નેતાઓને સ્‍થાન અપાયું છે, જ્‍યારે ૨૬ મંત્રીમાં ૮ પાટીદાર નેતાને સ્‍થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નવા મંત્રી મંડળના વિસ્‍તરણને લઈને અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્‍યો છે. લાંબા સમયથી અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં સ્‍થાન મળશે કે કેમ, તે અંગેની અટકળોનો હવે અંત આવ્‍યો છે. અમરેલી જિલ્લાના ધારાસભ્‍યો પૈકી કૌશિક વેકરીયાને મંત્રીમાં સ્‍થાન મળ્‍યુ છે.

ચૂંટણી પહેલાં સંગઠનમાં નવી ઉર્જા લાવવાનો પ્રયાસ

સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઉર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્‍યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા લેવામાં આવ્‍યું હોવાનું માનવામાં આવે છે.

 

(3:57 PM IST)