<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

'પાકિસ્તાને યુદ્ધવિરામ તોડ્યો: પક્તિકા પ્રાંતમાં બોમ્બમારો, ૧૦ મોત: ૧૨ ઘાયલ: અફઘાનિસ્તાન વળતો જવાબ આપશે': તાલિબાની અધિકારીની ધમકી

મોડી રાત્રે પાકિસ્તાનના લાહોર રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં હિંસક દેખાવો અને વિસ્ફોટો ઇન્ટરનેટ બંધ: પાકિસ્તાન - અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ: સંખ્યાબંધ પાક સૈનિકોના મોત

ઇસ્લામાબાદ/કાબુલ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. જ્યારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) દ્વારા પાકિસ્તાની સૈન્ય રેજિમ પર હુમલાનો સિલસિલો યથાવત્ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના મોડી રાત્રિના અહેવાલ મુજબ, પાકિસ્તાને શુક્રવારની સાંજે અફઘાનિસ્તાનના સરહદી પ્રાંત પક્તિકાના અર્ગુન  અને બર્મલ  જિલ્લાઓમાં હવાઈ હુમલા કર્યા છે.

 * જાનહાનિ: એક પ્રાંતીય હોસ્પિટલના અધિકારીએ એ.એફ.પી.ને જણાવ્યું કે આ હુમલામાં દસ લોકો માર્યા ગયા છે, જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય ૧૨ લોકો ઘાયલ થયા છે.

 * તાલિબાનની પ્રતિક્રિયા: અફઘાનિસ્તાનના એક વરિષ્ઠ તાલિબાની અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે "પાકિસ્તાને યુદ્ધવિરામ તોડ્યો છે અને પક્તિકાના ત્રણ સ્થળો પર બોમ્બમારો કર્યો છે," સાથે જ તેમણે ચેતવણી આપી છે કે "અફઘાનિસ્તાન વળતો જવાબ આપશે." સાથે જ લાહોર ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં વિસ્ફોટો અને હિંસક દેખાવો સર્જાયા છે.

 * યુદ્ધવિરામનો ભંગ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બે દિવસનો યુદ્ધવિરામ શુક્રવારે સાંજે સમાપ્ત થયો હતો. જોકે, રોઇટર્સના અહેવાલમાં કહેવાયું હતું કે બંને દેશો કતારના દોહામાં વાટાઘાટો પૂર્ણ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવવા સહમત થયા હતા, પરંતુ આ હુમલાઓએ તમામ સમજૂતીઓ પર પાણી ફેરવી દીધું છે.

એક તરફ પાકિસ્તાની સૈન્ય અફઘાનિસ્તાન પર કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સ્વદેશમાં જ ટી.ટી.પી. ખુલ્લેઆમ સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે.

 * ઇસ્લામાબાદ-રાવલપિંડી સ્થિતિ: ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં વિસ્ફોટોના પગલે સુરક્ષા વ્યવસ્થાને પગલે ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. લાહોર, ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટી.એલ.પી.) ના હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે પણ તણાવમાં વધારો થયો છે.

 * સૈન્ય મથક પર હુમલો: અફઘાન સરહદ નજીક ઉત્તર વઝિરિસ્તાન જિલ્લામાં સૈન્ય કેમ્પ પર થયેલા આત્મઘાતી હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા અને ૧૩ અન્ય ઘાયલ થયા હતા. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફની ઓફિસે આ હુમલામાં છ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી હતી.

 * પાકિસ્તાનની સ્થિતિ 'આગ અને પાછળ કૂવો' જેવી છે, જ્યાં એકબાજુ આંતરરાષ્ટ્રીય સરહદે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, તો બીજીબાજુ ટી.ટી.પી. જેવા સંગઠનો રાજધાની અને મુખ્ય શહેરોમાં હુમલા કરીને પાકિસ્તાની સૈન્યની પ્રતિષ્ઠાને પડકારી રહ્યા છે.

 

(7:59 AM IST)