<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

અમદાવાદથી દરભંગા જતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો: એન્જિનના કાચ તૂટ્યા

કાનપુરના ભીમસેન સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો :રેલવે પોલીસે 6થી વધુ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી

દિવાળીના તહેવારમાં ટ્રેનમાં ભારે ભીડ ઉમટી છે, ત્યારે અમદાવાદથી દરભંગા જતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પર યુપીના કાનપુરમાં પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. કાનપુરના ભીમસેન સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મુસાફરોમાં ભારે ભય જોવા મળ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં ટ્રેનના એન્જિનના કાચ તૂટી જતાં ટ્રેન ચાલકને એન્જિનની બારી બંધ કરવી પડી હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદથી બિહાર જતી આ સ્પેશિયલ ટ્રેન દર વર્ષે દિવાળી અને છઠ મહાપર્વ પર દોડાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થમારો કરતાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના મામલે ટ્રેનના ડ્રાઈવરે તરતજ કન્ટ્રોલ રૂમમાં ઘટના અંગે જાણકારી આપીને ટ્રેનને રોકી રાખી હતી.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં ભીમસેન સ્ટેશન માસ્ટરની લેખિત ફરિયાદના આધારે RPFના અધિકારીએ અજાણ્યા શખસો વિરૂદ્ધમાં કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, 'જ્યારે ટ્રેન આઉટર સિગ્નલ પર ઊભી હતી, ત્યારે કેટલાક યુવકોએ બહારથી પથ્થરો ફેંક્યા હતા.'

 

RPF સ્ટેશન આસપાસના વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પથ્થરમારો કરનારાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે રેલવે પોલીસે 6થી વધુ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 

(9:41 PM IST)