<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

દિવાળીએ તામિલનાડુમાં ભારે વરસાદઃ ઠેર-ઠેર પાણી ભરાયાઃ મુખ્‍યમંત્રી સ્‍ટાલિને તાત્‍કાલીક બેઠક યોજી

વાહનવ્‍યવહાર ખોરવાયોઃ ટ્રેનો રદઃ આવતીકાલે ભારે વરસાદની આગાહી

નવી દિલ્‍હી, તા.૨૦: દિવાળીના તહેવારની ઉજવણી વચ્‍ચે તમિલનાડુમાં ભારે વરસાદનું વિઘ્‍ન આવ્‍યું છે. આજે ચેન્નઈમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્‍તારો જલમગ્ન થયા. માર્ગ તેમજ હવાઈ વાહનવ્‍યવહાર ખોરવાઈ ગયો છે.

ચેન્નઈમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્‍તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. પૂર્વ કોસ્‍ટ રોડ પર આવેલા વેલાચેરી, મેદાવક્કમ, પલ્લીકરણાઈ અને નીલંકરાઈ જેવા વિસ્‍તારો વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્‍ત થયા છે. બીજી તરફ નીલગિરિ જિલ્લામાં ભૂસ્‍ખલનની ઘટનાઓ નોંધાઈ છે, જેના પગલે નીલગિરિ માઉન્‍ટેન રેલવે  રૂટ પરની ટ્રેન સેવાઓ રદ કરવાની ફરજ પડી છે.

વરસાદની ગંભીર પરિસ્‍થિતિને જોતા તમિલનાડુના મુખ્‍યમંત્રી એમ.કે. સ્‍ટાલિને તાત્‍કાલિક પગલાં લીધા છે. તેમણે ચેન્નઈમાં સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરના જિલ્લા કલેક્‍ટરો સાથે વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા વરસાદની સ્‍થિતિની સમીક્ષા કરી હતી. મુખ્‍યમંત્રીએ અધિકારીઓને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્‍તારોના રહેવાસીઓને તાત્‍કાલિક સુરક્ષિત સ્‍થળોએ ખસેડવાનો નિર્દેશ આપ્‍યો છે.

ભારતીય હવામાન વિભાગ એ આગામી થોડા દિવસો માટે ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આગામી ૨૨મી ઑક્‍ટોબરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સિસ્‍ટમ બનવાની શકયતા છે, જે રાજ્‍યના વિવિધ ભાગોમાં વરસાદી પ્રવળત્તિઓને વધુ તીવ્ર બનાવશે.

હવામાન વિભાગે દિવાળીના દિવસે પણ રાજ્‍યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરી છે, જેને પગલે વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. 

(3:18 PM IST)