News of Monday, 20th October 2025
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે દિવાળીની શુભેચ્છા પાઠવી, પણ ટ્રોલર્સના નિશાને: 'ત્યાં હિન્દુઓ બાકી ક્યાં છે?' – યુઝર્સે ૧૯૪૭ના આંકડા ટાંકીને હુમલો કર્યો!
પાકિસ્તાનના સિંધ પ્રાંતના કેટલાક વિસ્તારો, જેમ કે થરપારકર, ઉમરકોટ, મીરપુરખાસ અને કરાચીમાં હિન્દુ સમુદાય હજુ પણ નાના પાયે ઉજવે છે દિવાળી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં દિવાળી: વિવાદ અને વાસ્તવિકતા : દિવાળીના પાવન પર્વ પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના દેશના અને વિશ્વભરના હિન્દુ સમુદાયને શુભેચ્છાઓ પાઠવતા જ મોટો વિવાદ ઊભો થયો છે. શરીફે પોતાના સંદેશમાં અંધકાર પર પ્રકાશ અને ખરાબ પર સારાના વિજયની વાત કરી, સાથે જ ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક નાગરિક શાંતિથી રહી શકે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો.
પરંતુ આ ટ્વીટ સામે આવતાની સાથે જ, શાહબાઝ શરીફને અભિનંદન આપવાને બદલે, સોશિયલ મીડિયા પર તેમને આડેધડ ટ્રોલ કરવામાં આવ્યા.
'૨૦% થી ૨.૩%': આંકડાઓનો કડવો પ્રહાર
પીએમ શરીફની પોસ્ટ આવતાની સાથે જ #HindusInPakistan અને #DiwaliInPakistan જેવા હેશટેગ્સ ટ્રેન્ડ થવા લાગ્યા. યુઝર્સે પાકિસ્તાનમાં લઘુમતીઓની ઘટતી વસ્તીના આંકડા ટાંકીને કડવાશ વ્યક્ત કરી:
"૧૯૪૭ માં, ૨૦% હિન્દુઓ હતા. ૨૦૨૫ માં, ફક્ત ૨.૩% બાકી છે. કદાચ ૨૦૪૦ સુધીમાં, દિવાળીની શુભેચ્છાઓ ફક્ત આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવશે."
અન્ય એક કટાક્ષભરી ટિપ્પણીમાં લખ્યું હતું, "પાકિસ્તાનમાં ફક્ત ૧૦-૧૨ હિન્દુઓ બાકી છે. તમે તેમને સીધા DM (ડાયરેક્ટ મેસેજ) કરી શક્યા હોત."
શબ્દો ખાલી લાગ્યા: ટ્રોલિંગના અન્ય કારણો
ઘણા વપરાશકર્તાઓએ શાહબાઝ શરીફના લાંબા સંદેશ પર કટાક્ષ કરતા લખ્યું કે, "આટલો લાંબો સંદેશ જોઈને આનંદ થયો, પણ શબ્દો ખાલી લાગે છે."
એક ભારતીય યુઝરે તીવ્ર ટિપ્પણી કરી કે, "તમે અંધકારમાં પ્રકાશ લાવવાની વાત કરો છો, પરંતુ તમારા શાસનકાળમાં, પાકિસ્તાનમાં હિન્દુ ઘરો વધુ અંધારામાં છે." આ યુઝર્સે આંતરરાષ્ટ્રીય અહેવાલો અને NGO ના દાવા તરફ ધ્યાન દોર્યું, જેમાં પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ લઘુમતીઓ સામે બળજબરીથી ધર્માંતરણ, મંદિરો પર હુમલા અને કિશોરવયની છોકરીઓના અપહરણની ઘટનાઓ ચાલુ હોવાનો ઉલ્લેખ છે.
ક્યાં અને કેવી રીતે થઈ દિવાળીની ઉજવણી?
ટ્રોલિંગ વચ્ચે પણ, પાકિસ્તાનના સિંધ પ્રાંતના કેટલાક વિસ્તારો, જેમ કે થરપારકર, ઉમરકોટ, મીરપુરખાસ અને કરાચીમાં હિન્દુ સમુદાય હજુ પણ નાના પાયે દિવાળી ઉજવે છે.
જોકે, સુરક્ષાની ચિંતાઓને કારણે આ વખતે પણ ઘણી જગ્યાએ મર્યાદિત ઉજવણી કરવામાં આવી હતી અને સ્થાનિક અધિકારીઓએ સુરક્ષા વધારી દીધી હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ડર વ્યક્ત કર્યો, પરંતુ તેમ છતાં ઘરે દીવા પ્રગટાવ્યા: "અમને ઠપકો મળવાનો ડર છે, પરંતુ અમે ઘરે દીવા પ્રગટાવીએ છીએ કારણ કે અંધારામાં દીવો પ્રગટાવવો એ જ સાચી દિવાળી છે."
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
