News of Tuesday, 21st October 2025
યમનના સમુદ્રમાં એલપીજી ટેન્કરમાં મોટો વિસ્ફોટ : જહાજમાં સવાર 23 ભારતીય ખલાસીઓનો બચાવ
ગેસ ભરેલા એક ટેન્કર AV ફાલ્કનમાં વિસ્ફોટ થયા બાદ તેમાં આગ લાગી

યમનના અદન કિનારે શનિવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના બની હતી. રિપોર્ટ પ્રમાણે ત્યાં ગેસ ભરેલા એક ટેન્કર AV ફાલ્કનમાં વિસ્ફોટ થયા બાદ તેમાં આગ લાગી હતી. તેમાં સવાર 24 ભારતીય ખલાસીઓમાંથી 23 ને બચાવી લેવામાં આવ્યા છે
હાલમાં બે લોકો ગુમ હોવાના સમાચાર છે. જહાજ ઓમાનના સોહરથી જીબુટી જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટ બાદ જહાજ પાણીમાં ડૂબવા લાગ્યું અને તેના લગભગ 20% ભાગ પર આગ લાગી ગઈ. તાજેતરની માહિતી પ્રમાણે વિસ્ફોટ આકસ્મિક થયો હતો. આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ જહાજ પર સવાર 24 ક્રૂ મેમ્બરો જહાજ છોડીને સમુદ્રમાં કૂદી પડ્યા હતા. યુરોપિયન યુનિયનના નૌકાદળે ઓપરેશન એસ્પાઇડ્સે શરૂ કરી શોધખોળ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 23 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે અન્ય હજુ પણ ગુમ છે.
જહાજમાં પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હોવાથી વિસ્ફોટના કારણે હાલમાં દરિયાઈ માર્ગે ખતરો વધી ગયો છે. યુરોપિયન યુનિયન દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન એસ્પાઇડ્સે આ ઘટના બાદ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જહાજમાં આગ ફેલાઈ રહી છે. એમવી ફાલ્કન હવે દરિયાઈ માર્ગ માટે એક મોટો ખતરો બની ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે યમનમાં હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં પસાર થતા માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે એમવી ફાલ્કન પરના હુમલામાં કોઈ રાજકીય કે આતંકવાદી જોડાણની ઓળખ થઈ નથી.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
