News of Tuesday, 21st October 2025
પાકિસ્તાનની ધરતી ફરી ધ્રૂજીઃ ૩ દિ'મા ત્રીજો ભૂકંપઃ પંજાબમાં તૌનસા સહિત અનેક સ્થળે આંચકા અનુભવાયા
ભૂકંપનું કેન્દ્રબિદુ જમીનની સપાટીથી માત્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું ધ્રુજારીની અસર વધુ તીવ્રતાથી અનુભવાઈઃ આફટર શોકની ચેતવણી

ઈસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એન.સી.એસ.) અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તૌનસા ખાતે ધરતીકંપ આવ્યો છે. પંજાબમાં અનેક સ્થળે આંચકા અનુભવાયા હતા.
૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, સૌથી વધુ ચિતાજનક બાબત તેની ઓછી ઊંડાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિદુ જમીનની સપાટીથી માત્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું, જેના કારણે સપાટી પર ધ્રુજારીની અસર વધુ તીવ્રતાથી અનુભવાઈ હતી.
પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસમાં ભૂકંપનો આ ત્રીજો આંચકો છે. શનિવાર અને રવિવારે પણ અહીં ૪.૦ની આસપાસની તીવ્રતાના મધ્યમ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે સંકેત આપે છે કે આ વિસ્તારમાં ભૂકંપીય ગતિવિધિઓ અસ્થિર બની છે.
ભૂકંપ વિજ્ઞાનના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ૧૦ કિલોમીટરની ઓછી ઊંડાઈએ આવતા ભૂકંપ (શૈલો અર્થક્વેક્સ) વધુ જોખમી સાબિત થઈ શકે છે. તેનું કારણ એ છે કે ભૂકંપના મોજાંને સપાટી સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવું પડે છે, જેના પરિણામે જમીન પરનો આંચકો વધુ ઝડપી અને નુકસાનકારક હોય છે.
પાકિસ્તાન વિશ્વના સૌથી વધુ ભૂકંપીય રીતે સક્રિય વિસ્તારોમાંનું એક છે. તે ભારતીય (ઇન્ડિયન) અને યુરેશિયન (યુરેશિયન) જેવી મોટી ટેક્ટોનિક પ્લેટોના સંગમસ્થાન પર આવેલું છે.
ભૂકંપનું કેન્દ્ર પંજાબ પ્રાંતના ડેરા ઘાઝી ખાન જિલ્લાની આસપાસ (અક્ષાંશ ૩૦.૫૧ નોર્થ, રેખાંશ ૭૦.૪૧ ઈસ્ટ) હતું. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, પાકિસ્તાનના પંજાબ, ખાઈબર પખ્તુંખ્વા, બલુચિસ્તાન અને ગિલગીત-બાલ્ટિસ્તાન જેવા પ્રાંતોમાં આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા. લાહોર, રાવાલપિડી, ઇસ્લામાબાદ, એટક, ટેક્સિલા, મુરી, સિયાલકોટ, ગુજરાનવાલા જેવા શહેરોમાં ભયનો માહોલ ફેલાયો. ભારતીય પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા, જેના કારણે લોકોમાં ભયભીત વધી. પાકિસ્તાનમાં કોઈ જાનમાલનું નુકસાન નથી થયું.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
