News of Tuesday, 21st October 2025
આયુષ અને એલોપેથી ડૉક્ટરો વચ્ચે સમાનતાનો મુદ્દો હવે મોટી બેંચ સમક્ષ! નિવૃત્તિ વય અને પગારધોરણ પર સુપ્રીમ કોર્ટે 'અધિકૃત નિર્ણય' માટે કેસ મોકલ્યો
રાજ્યોની દલીલ હતી કે નિવૃત્તિ વયમાં એલોપેથિક ડૉક્ટરોને વધારે લાભ આપવાનો હેતુ માત્ર એ જ હતો કે "જનતાની સારવાર માટે પૂરતા અનુભવી ડૉક્ટરો ઉપલબ્ધ હોય

નવી દિલ્હી, તા. 20 : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: આયુષ vs એલોપેથી : આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથી જેવી સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓ (આયુષ)ના ડૉક્ટરોને સરકારી સેવા શરતો, નિવૃત્તિ વય અને પગાર ધોરણ નક્કી કરવામાં એલોપેથિક ડૉક્ટરો (આધુનિક દવા) સાથે સમાન ગણી શકાય કે કેમ, તે અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો નિર્ણય લેતા આ મામલો હવે મોટી બેંચને સોંપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે આ અરજીઓ પર ૧૩ મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
અધિકૃત નિર્ણયની જરૂરિયાત
૧૭ ઓક્ટોબરના રોજ આપેલા આદેશમાં, બેન્ચે નોંધ્યું હતું કે બંને પ્રણાલીઓનો અભ્યાસ કરતા ડૉક્ટરોને સેવા લાભો માટે સમાન ગણી શકાય કે કેમ તે અંગે અગાઉના નિર્ણયોમાં મતભેદો જોવા મળ્યા હતા.
બેન્ચે કહ્યું:
"અમારો મત છે કે આ મુદ્દા પર અધિકૃત નિર્ણય લેવો જોઈએ અને તેથી, અમે આ બાબતને મોટી બેન્ચને સોંપીએ છીએ. રજિસ્ટ્રીને વહીવટી બાજુથી માનનીય મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ મામલો મૂકવાનો નિર્દેશ આપવામાં આવે છે."
નિવૃત્તિ વય અંગે રાજ્યોની દલીલ
કોર્ટે રાજ્યો દ્વારા રજૂ કરાયેલી દલીલને પણ ધ્યાનમાં લીધી. રાજ્યોની દલીલ હતી કે નિવૃત્તિ વયમાં એલોપેથિક ડૉક્ટરોને વધારે લાભ આપવાનો હેતુ માત્ર એ જ હતો કે "જનતાની સારવાર માટે પૂરતા અનુભવી ડૉક્ટરો ઉપલબ્ધ હોય."
બેન્ચે સ્વીકાર્યું કે:
"સ્વદેશી દવા પ્રણાલીઓમાં ડૉક્ટરોની અછત એલોપેથિક દવા જેટલી ગંભીર નથી, ખાસ કરીને જ્યારે સ્વદેશી દવા પ્રણાલીના પ્રેક્ટિશનરો દ્વારા મહત્વપૂર્ણ જીવનરક્ષક તબીબી અને સર્જિકલ સંભાળ પૂરી પાડવામાં આવતી નથી."
આ મામલો હવે ભારતીય તબીબી જગત અને હજારો આયુષ ડૉક્ટરો માટે મહત્ત્વનો બની ગયો છે, કારણ કે મોટી બેંચનો નિર્ણય પગાર, પેન્શન અને નિવૃત્તિની વય સહિતના સેવા લાભો પર સીધી અસર કરશે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
