<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

જેસલમેરમાં માર્બલ ફેક્ટરી પર 'બોમ્બ' ફેંકાયો: કામદારોએ રોકેટ સમજી આગ બુઝાવી

મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખી ભારતીય સેના પણ તપાસમાં જોડાઈ

રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ દોઢસો કિલોમીટર દૂર આવેલી એક માર્બલ ફેક્ટરી પર રહસ્યમય વિસ્ફોટક વસ્તુ ફેંકવામાં આવી હતી.

દિવાળીની રાત્રિના સમયે આ ઘટના બની હતી. લોખંડના શેડવાળી આ ફેક્ટરી પર પેરાશૂટથી સજ્જ બોમ્બ જેવી કોઈ વસ્તુ પડતાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

ફેક્ટરીમાં કામ કરતા મજૂરોએ ધડાકા બાદ લાગેલી આગ જોઈને તેને દિવાળીનો રોકેટ કે ફટાકડો માની લીધો હતો અને તાત્કાલિક પાણી વડે આગ બુઝાવી દીધી હતી.

ફેક્ટરીના માલિકે આ બાબતે પોલીસને જાણ કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને પણ તપાસમાં જોડવામાં આવી છે. સરહદી વિસ્તાર હોવાથી આ ઘટનાને સુરક્ષાના ગંભીર દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે.

 

(10:47 PM IST)