<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

કેનેડામાં ફરી ગોળીબારની ઘટના : રોહિત ગોદારા ગેંગનો દાવો – પંજાબી સિંગર તેજી કહલોં પર કર્યો હુમલો : સોશિયલ મીડિયા પર ધમકી આપી, 'આ તો માત્ર શરૂઆત છે, દુશ્મનોને મદદ કરનારને છોડશું નહીં'

પંજાબી સિંગર તેજી કહલોં પર કરાયુ હતું અંધાધૂંધ ફાયરિંગ : પેટમાં ગોળી વાગી હોવાનો ગેંગનો સ્વીકાર : કહલોં તેમના દુશ્મનોને ફાઇનાન્સ, હથિયાર અને માહિતી પૂરી પાડતો હોવાનો આરોપ : મહેન્દર સરણ દિલાના, રાહુલ રિનાઉ અને વિક્કી પહેલવાન ગેંગના મુખ્ય સભ્યો

નવી દિલ્હી, તા. ૨૨ ઓક્ટોબર: કેનેડામાં ગુનાહિત ગેંગોનો આતંક ફરી એકવાર સપાટી પર આવ્યો છે. અહીં ગોળીબારની એક મોટી ઘટના બની છે, જેની જવાબદારી કુખ્યાત રોહિત ગોદારા ગેંગે લીધી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ગેંગે દાવો કર્યો છે કે આ હુમલામાં તેમની ગેંગ સામેલ હતી, જેનાથી કેનેડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઊભા થયા છે.
પંજાબી સિંગર તેજી કહલોં નિશાન પર
પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોળીબાર પંજાબી સિંગર તેજી કહલોં પર કરવામાં આવ્યો હતો, જેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રોહિત ગોદારા ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે:
 * આક્ષેપ: તેજી કહલોં તેમની ગેંગના દુશ્મનોને ફાઇનાન્સ, હથિયાર અને જગ્યાની માહિતી (Spotting) આપવાનું કામ કરતો હતો. આ ઉપરાંત, તે ગેંગના સભ્યોની મુખબિરી કરતો હતો અને તેમના પર હુમલો કરવાની યોજના બનાવતો હતો.
 * હુમલાની કબૂલાત: ગેંગે પોસ્ટમાં લખ્યું છે કે, "અમે કેનેડામાં તેજી કહલોં પર ગોળીબાર કર્યો. તેમને પેટમાં ગોળી વાગી છે. જો તે સમજી ગયો તો ઠીક છે. નહીં તો, આગલી વખતે અમે તેને ખતમ કરી દઈશું."
બિઝનેસમેન અને હવાલ ઓપરેટરોને ધમકી
રોહિત ગોદારા ગેંગે આ હુમલાને માત્ર શરૂઆત ગણાવીને તમામ લોકોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે.
 * ગેંગની ધમકી: પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "હું સ્પષ્ટ કરી દઉં, જો કોઈ ભૂલથી પણ અમારા દુશ્મનોનો સાથ આપે છે કે તેમને કોઈપણ રીતે મદદ કરે છે, તો અમે તેમના પરિવારોને છોડશું નહીં. અમે તેમને ખતમ કરી દઈશું. આ તમામ ભાઈઓ, બિઝનેસમેન, બિલ્ડર, હવાલા ઓપરેટર અને બાકી બધા માટે એક ચેતવણી છે. જો કોઈ મદદ કરશે, તો તે અમારો દુશ્મન ગણાશે. આ તો માત્ર શરૂઆત છે."
ઉલ્લેખનીય છે કે, રોહિત ગોદારા ગેંગમાં મહેન્દર સરણ દિલાના, રાહુલ રિનાઉ અને વિક્કી પહેલવાન જેવા સભ્યોનો સમાવેશ થાય છે અને કેનેડામાં તેમનો આતંક સતત વધી રહ્યો છે. આ નવી ઘટનાએ ફરી એકવાર ભારતીય મૂળના લોકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

 

(12:56 PM IST)