<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

ઓપરેશન સિંદૂર : કેન્દ્ર સરકાર દ્વારા વીરતા પુરસ્કાર ની જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ત્રણેય સેવાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે

નવી દિલ્હી : ભારત સરકારે લશ્કરી પુરસ્કારોની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ત્રણેય સેવાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં ઓપરેશન સિંદુરમાં ભાગ લેનારા સૈન્યના અધિકારીઓ અને જવાનો પણ સામેલ છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં એક ગેઝેટ જાહેરનામું બહાર પાડીને સંરક્ષણ દળોના પ્રશંસા પત્રોને સૂચિત કર્યા છે, જેમને ઓપરેશન સિંદૂર સહિત વિવિધ કામગીરીઓમાં બહાદુરી પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. રાજપત્રમાં સમાવિષ્ટ વીરતા પુરસ્કારો મુખ્યત્વે ભારતીય વાયુસેના અને ભારતીય સેનાના કર્મચારીઓ અને અધિકારીઓ માટે હોય છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્પેશિયલ ફોર્સ, રાષ્ટ્રીય રાઇફલ્સ, ગોરખા રેજિમેન્ટ, રાજપૂતાના રાઇફલ્સ, ડોગરા રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ, ગઢવાલ રાઇફલ્સ, મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી અને આર્ટિલરી જેવા સેનાના અનેક પ્રતિષ્ઠિત એકમોના અધિકારીઓ અને જવાનો સામેલ છે. નૌકાદળ અને વાયુસેનાના કેટલાક પાયલોટ, કમાન્ડર અને ટેકનિકલ સ્ટાફને પણ તેમની સાહસિક કામગીરીઓ અને અભિયાનોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એનાયત કરવામાં આવ્યા છે.

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓ માટે 127 વીરતા પુરસ્કારો અને 40 પ્રતિષ્ઠિત સેવા પુરસ્કારોને મંજૂરી આપી છે. તેમાં 4 કીર્તિ ચક્ર, 15 વીર ચક્ર, 16 શૌર્ય ચક્ર, 2 બાર ટુ સેના મેડલ (બહાદુરી) 58 સેના મેડલ (બહાદુરી) 06 નૌસેના મેડલ (બહાદુરી) 26 વાયુ સેના મેડલ (બહાદુરી) 07 સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ, 09 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને 24 યુદ્ધ સેવા મેડલ સામેલ છે.

 

(2:05 PM IST)