<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

સપ્ટેમ્બરમાં 200 કિલો અને જૂનમાં 400 કિલો સોનાની ખરીદી:સોનાની ઇંટોથી ભરાયો ખજાનો

સોનાના ભાવમાં ઘટાડા વચ્ચે 2025-26ના પ્રથમ છ મહિનામાં RBIનો સોનાનો ભંડાર 880 મેટ્રિક ટન વટાવી ગયો.

સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી હવે ઘટી રહ્યા છે. MCX સોનાના ભાવ 5.61% ઘટીને ₹1,20,600 પ્રતિ 10 ગ્રામ થયા છે, જે તેમના રેકોર્ડ ઊંચાઈથી ₹7,200નો ઘટાડો દર્શાવે છે. સોનાના ભાવમાં ઘટાડા વચ્ચે 2025-26ના પ્રથમ છ મહિનામાં RBIનો સોનાનો ભંડાર 880 મેટ્રિક ટન વટાવી ગયો. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સેન્ટ્રલ બેંકે તેના ભંડારમાં 0.2 મેટ્રિક ટન ઉમેર્યું.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના તાજેતરના ડેટા અનુસાર 26 સપ્ટેમ્બર, 2025 સુધીમાં સોનાનું કુલ મૂલ્ય US$95 બિલિયન હતું. વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે તાજેતરના મહિનાઓમાં સોનાની માંગમાં વધારો થયો છે, જે સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

RBIના તાજેતરના બુલેટિન મુજબ RBIએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનામાં 0.6 મેટ્રિક ટન (600 કિલો) સોનું ખરીદ્યું. સપ્ટેમ્બર અને જૂનમાં અનુક્રમે કુલ 0.2 મેટ્રિક ટન (200 કિલો) અને 0.4 મેટ્રિક ટન (400 કિલો) સોનું ખરીદ્યું.

RBIનો કુલ સોનાનો ભંડાર સપ્ટેમ્બરના અંતમાં વધીને 880.18 મેટ્રિક ટન થયો, જે 2024-25ના અંતમાં 879.58 મેટ્રિક ટન હતો. 2024-25 દરમિયાન RBIએ 54.13 મેટ્રિક ટન સોનું ઉમેર્યું.

બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક આર્થિક અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં વધારો થયો છે, જેના કારણે સલામત ખરીદીને પ્રોત્સાહન મળ્યું છે. હાલમાં સોનું તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી નોંધપાત્ર રીતે નીચે આવી ગયું છે. 17 ઓક્ટોબરે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,30,874 રૂપિયા હતો, જે હવે ઘટીને 1,23,907 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ચાંદી 1,71,275 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 22 ઓક્ટોબરે ઘટીને 1,52,501 રૂપિયા થઈ ગઈ છે.

બુલેટિનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકોએ સત્તાવાર અનામતમાં 166 ટન સોનું ઉમેર્યું છે, જેનાથી માંગમાં વધુ વધારો થયો છે. ત્રીજા ક્વાર્ટરમાં સોનાના ભાવ ઉંચા રહ્યા અને સપ્ટેમ્બરમાં તે સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા.

(9:17 PM IST)