<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

બિહાર ચૂંટણી પહેલા પોલીસનો 'ઓપરેશન ક્લીન સ્વીપ': દિલ્હીમાં એન્કાઉન્ટરમાં કુખ્યાત રંજન પાઠક ગેંગના 4 મોસ્ટ વોન્ટેડ ગુનેગારો ઠાર

ગુનેગારોનું નેપાળ કનેક્શન ખુલ્યું: ચૂંટણી પહેલા આતંક ફેલાવવાનું કાવતરું હતું, પોલીસ માટે મોટી સફળતા

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હી અને બિહાર પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા હાંસલ કરી છે. બુધવારે મોડી રાત્રે દિલ્હીમાં થયેલા એન્કાઉન્ટરમાં બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગુનેગારોને ઠાર મારવામાં આવ્યા છે. આ ગુનેગારોના નેપાળ કનેક્શનનો ખુલાસો થયો છે, અને તેઓ ચૂંટણી પહેલા બિહારમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા.
બિહાર પોલીસ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બિહાર પોલીસના મહાનિર્દેશકે દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાને જાણ કરી હતી કે સીતામઢીનો કુખ્યાત ગુનેગાર રંજન પાઠક તેની ગેંગના સભ્યો સાથે દિલ્હીમાં છુપાયેલો છે.
બુધવારે વહેલી સવારે 2:30 વાગ્યે, ડીસીપી સંજીવ કુમાર યાદવની આગેવાની હેઠળની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બેગમપુર વિસ્તારમાં ગુનેગારોને ઘેરી લીધા. જ્યારે પોલીસે ઘેરી લેતા, ગુનેગારોએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં પોલીસે વળતો ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં ચારેય ગુનેગારો ઘાયલ થયા અને બાદમાં હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગુનેગારોની ઓળખ મામલે પોલીસના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા ચારેય ગુનેગારોની ઓળખ થઈ ગઈ છે:
1.  રંજન પાઠક (25): ગેંગ લીડર, સીતામઢી જિલ્લાના સુરસંદ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી. તે પાંચ હત્યાના કેસમાં વોન્ટેડ હતો.
2.  બિમલેશ મહતો ઉર્ફે બિમલેશ સાહની (25): બાજપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી. ખંડણી અને હથિયારોની દાણચોરીમાં સક્રિય હતો, અને રંજનનો જમણો હાથ ગણાતો હતો.
3.  અમન ઠાકુર (21): શિવહર જિલ્લાના દોસ્તિયાન ગામનો રહેવાસી.
4.  મનીષ પાઠક (33): દિલ્હીના કરાવલ નગરનો રહેવાસી. અનેક હત્યા અને અપહરણ કેસમાં વોન્ટેડ.
ગેંગ લીડર રંજન પાઠક ગુનાહિત દુનિયામાં પોતાની ધાક જમાવવા માટે જાણીતો હતો. સીતામઢીમાં એક હાઇ-પ્રોફાઇલ હત્યા કર્યા પછી, તેણે ખુલ્લેઆમ મીડિયા કર્મચારીઓને પોતાનો "ગુનાહિત બાયોડેટા" મોકલ્યો હતો, જેનો હેતુ લોકોમાં ભય ફેલાવવાનો હતો.
બિહાર પોલીસના જણાવ્યા અનુસાર, તાજેતરમાં આ ગેંગનો એક ઓડિયો કોલ પણ સામે આવ્યો હતો, જેમાં રંજન તેના સાથીઓને ચૂંટણી પહેલા આતંક ફેલાવવા અને પોલીસ અધિક્ષકની બદલી કરાવવા માટે પૂરતી હત્યાઓ કરવા વિશે વાત કરતો સંભળાયો હતો.
પોલીસે ખુલાસો કર્યો છે કે આ ગેંગ નેપાળથી કાર્યરત હતી. સીતામઢી અને આસપાસના જિલ્લાઓમાં હત્યા અથવા અન્ય કોઈ ગુનો કર્યા પછી, ગેંગ લીડર હત્યાની જવાબદારી લેતો હતો અને પોતાના ગુનાઓનો 'બાયોડેટા' મીડિયાને મોકલીને આતંક ફેલાવતો હતો.
બિહારમાં ચૂંટણી પ્રચાર આજથી શરૂ થવાનો છે, તે પહેલાં જ આ કુખ્યાત ગેંગના સભ્યોને ઠાર મારવા એ પોલીસ માટે એક મોટી વ્યૂહાત્મક સફળતા છે, જે ચૂંટણી દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે.

(11:45 AM IST)