<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

ચીનની 'એજિયાઓ'ની લાલચમાં મધ્યપ્રદેશમાંથી ગધેડા ગાયબ! છેલ્લા 3 દાયકામાં વસ્તીમાં 94% નો ભયંકર ઘટાડો

ગ્રામીણ ભારતના મુખ્ય વાહન પર સંકટ: રાજ્યના 9 જિલ્લામાં એક પણ ગધેડો બચ્યો નથી; પ્રાણી અધિકાર કાર્યકર્તાએ ચેતવણી આપી.

ભોપાલ: મધ્યપ્રદેશમાં ગધેડાની વસ્તીમાં થયેલો ઝડપી ઘટાડો હવે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી પણ ઓછા સમયમાં આ રાજ્યમાં ગધેડાની સંખ્યામાં ૯૪% જેટલો આઘાતજનક ઘટાડો નોંધાયો છે. એક સમયે પરિવહનનો મુખ્ય આધાર રહેલા આ પ્રાણીઓ હવે લુપ્ત થવાના આરે છે.
આંકડા ચોંકાવનારા સામે આવ્‍યો છે જેમાં  વર્ષ ૧૯૯૭માં સંખ્યા: ૪૯,૨૮૯ ગધેડા.  વર્તમાન સંખ્યા: માત્ર ૩,૦૫૨ ગધેડા.
રાજ્યના ૫૫ જિલ્લાઓમાંથી નવ જિલ્લામાં તો એક પણ ગધેડો નોંધાયો નથી. ડિંડોરી, નિવારી, સિઓની, હરદા અને ઉમરિયા જેવા જિલ્લાઓમાં આ પ્રજાતિ સ્થાનિક રીતે સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે.
ગધેડાના ગાયબ થવા અંગે કોઈ ચોક્કસ અભ્યાસ થયો નથી, પરંતુ પ્રાણી અધિકાર કાર્યકર્તા નરેશ કાદિયનએ કેન્દ્ર સરકારને ગધેડાને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કરવા વિનંતી કરી છે.
તેમણે આ ઘટાડા માટે ચીનની માંગણીને જવાબદાર ઠેરવી છે. કાદિયન ચીનના એજિયાઓ (Ejiao) ઉદ્યોગ તરફ આંગળી ચીંધે છે. આ ઉદ્યોગ ગધેડાનું ચામડું ઉકાળીને જિલેટીન કાઢે છે, જેનો ઉપયોગ પરંપરાગત ટોનિક, કામોત્તેજક દવાઓ અને વૃદ્ધત્વ વિરોધી ક્રીમ બનાવવા માટે થાય છે. આ આંતરરાષ્ટ્રીય માગને કારણે ગધેડાની તસ્કરી અને હત્યામાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.
 સૌથી વધુ ગધેડા: નર્મદાપુરમ (૩૩૨), છતરપુર (૨૩૨), મુરેના (૨૨૮) અને રેવા (૨૨૬).
 ચિંતાજનક ઘટાડો: વિદિશા, જ્યાં એક સમયે ૬,૪૦૦થી વધુ ગધેડા હતા, ત્યાં હવે માત્ર ૧૭૧ જ બચ્યા છે, જ્યારે રાજ્યની રાજધાની ભોપાલમાં માત્ર ૫૬ ગધેડા રહ્યા છે.
આ આંકડા ગ્રામીણ અર્થવ્યવસ્થા અને પ્રાણીસંપત્તિ બંને માટે ઊંડી ચિંતા ઊભી કરે છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો, ગધેડા ટૂંક સમયમાં જ મધ્યપ્રદેશના ઇતિહાસનો એક ભાગ બની શકે છે.

(1:05 PM IST)