News of Friday, 24th October 2025
આંધ્ર પ્રદેશ: કુર્નૂલ જિલ્લામાં કાલેશ્વરમ ટ્રાવેલ્સની હૈદરાબાદ-બેંગલુરુ સ્લીપર બસમાં ભીષણ આગ, ૨૫ મુસાફરો જીવતા ભડથું: ભયાનક કરુણ દુર્ઘટના: બસમાં ડ્રાઇવર અને કંડકટર સહિત ૪૦ થી ૪૨ લોકો સવાર હતા: ઊંઘમાં જ કાળ ભેટી ગયો, બારી તોડીને ૧૨ બચ્યા: *બસ એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી: ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાઇકલ બસની નીચે ફસાઈ ગઈ: તેની પેટ્રોલ ટાંકી ફાટવાને કારણે બસના નીચેના ભાગમાં તણખો થયો અને જોતજોતામાં આગ ફાટી નીકળી

કુર્નૂલ/અમરાવતી: આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજે વહેલી સવારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક અત્યંત ભયાનક અને કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી 'કાવેરી ટ્રાવેલ્સ' (અથવા 'કાલેશ્વરમ ટ્રાવેલ્સ', અહેવાલો મુજબ) નામની એક ખાનગી વોલ્વો સ્લીપર બસમાં આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા ૨૫ મુસાફરો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા. બસમાં ડ્રાઇવર અને સહાયક સહિત લગભગ ૪૦ થી ૪૨ લોકો સવાર હોવાનું જાણવા મળે છે.
વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને એક્સ પર સ્થાનિક પત્રકારો દ્વારા પોસ્ટ કરાયેલી વિગતો અનુસાર, આ દુર્ઘટના આજે પરોઢિયે લગભગ ત્રણથી સાડા ત્રણ વાગ્યાની આસપાસ કુર્નૂલ શહેરના હદવિસ્તારમાં ચિન્નાટેકુર ગામ નજીક બની હતી.
પ્રાથમિક પોલીસ તપાસ અને બચી ગયેલા મુસાફરોના જણાવ્યા મુજબ, હાઇવે પર તીવ્ર ગતિએ જઈ રહેલી બસ એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાઇકલ બસની નીચે ફસાઈ ગઈ હતી. મોટરસાઇકલ ઘસડાવાને કારણે અથવા તેની પેટ્રોલ ટાંકી ફાટવાને કારણે બસના નીચેના ભાગમાં તણખો થયો અને જોતજોતામાં આગ ફાટી નીકળી હતી.
ઊંઘમાં જ કાળ ભેટી ગયો, બારી તોડીને ૧૨ બચ્યા
દુર્ઘટના સમયે એસી બસના મોટાભાગના મુસાફરો ઘસઘસાટ ઊંઘમાં હતા. આગ ઝડપથી ફેલાઈ જતાં અને ધુમાડો ભરાઈ જતાં મુસાફરોને બચવાની તક મળી ન હતી. બસનો મુખ્ય દરવાજો પણ આગની લપેટમાં આવી ગયો હતો. લગભગ ૧૨ જેટલા જાગૃત મુસાફરોએ હિંમતભેર બસની બારીઓના કાચ તોડીને બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબૂ મેળવાયો ત્યાં સુધીમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બચાવી લેવાયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક કુર્નૂલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ, જેઓ હાલ વિદેશ પ્રવાસે છે, તેમણે 'એક્સ' પર પોસ્ટ કરીને આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારોને તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી. પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ પણ આ દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી સંવેદના વ્યક્ત કરી હતી.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
