News of Friday, 24th October 2025
આજે વિશ્વ પોલિયો દિવસ: પોલિયો સામેની લડાઈમાં ભારત વિશ્વગુરુ, 'મિશન ઇન્દ્રધનુષ' થકી દેશભરમાં રસીકરણ અભિયાન અવિરત ચાલુ
દેશના લાખો આરોગ્ય કર્મચારીઓના અવિરત પ્રયાસોને પરિણામે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૭ માર્ચ, ૨૦૧૪ ના રોજ ભારતને સત્તાવાર રીતે 'પોલિયો-મુક્ત' રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: આજે ૨૪ ઓક્ટોબર, સમગ્ર વિશ્વમાં 'વિશ્વ પોલિયો દિવસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે પોલિયો સામેની લડાઈ જીતી ચૂકેલું રાષ્ટ્ર તરીકે ભારત વિશ્વ સમક્ષ એક ગૌરવશાળી ઉદાહરણ તરીકે ઊભું છે.
એક સમય હતો જ્યારે ભારત પોલિયોના કેસોનું વૈશ્વિક કેન્દ્ર ગણાતું હતું, પરંતુ અથાક રસીકરણ અભિયાનો, જનભાગીદારી અને મજબૂત રાજકીય નેતૃત્વના પરિણામે ભારતે આ ગંભીર બીમારી પર ઐતિહાસિક વિજય મેળવ્યો છે.
ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૧૪માં ભારત 'પોલિયો મુક્ત' જાહેર
ભારત સરકાર અને દેશના લાખો આરોગ્ય કર્મચારીઓના અવિરત પ્રયાસોને પરિણામે, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) દ્વારા ૨૭ માર્ચ, ૨૦૧૪ ના રોજ ભારતને સત્તાવાર રીતે 'પોલિયો-મુક્ત' રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ, જેનું નેતૃત્વ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી અભિગમ હેઠળ આગળ વધ્યું, તેણે ભારતની જાહેર આરોગ્ય પ્રણાલીની તાકાત સાબિત કરી.
મિશન ઇન્દ્રધનુષ અને આઈપીવી દ્વારા સુરક્ષાચક્ર મજબૂત
પોલિયો મુક્ત દરજ્જો જાળવી રાખવા અને અન્ય ગંભીર રોગો સામે બાળકોને સુરક્ષિત કરવા માટે ભારત સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, વર્ષ ૨૦૧૫ માં 'ગ્લોબલ પોલિયો એન્ડગેમ સ્ટ્રેટેજી'ના ભાગરૂપે, ભારતે તેના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં 'ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન' (આઈપીવી - ઇન્જેક્શન દ્વારા અપાતી રસી)નો સમાવેશ કર્યો હતો, જે ૨૦૧૬ સુધીમાં દેશભરમાં લાગુ કરાઈ.
વધુમાં, રસીકરણ અભિયાનને વધુ સઘન બનાવવા માટે, સરકારે "મિશન ઇન્દ્રધનુષ" જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા. આ મિશનનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશના ખૂણેખૂણામાં દરેક બાળક અને સગર્ભા સ્ત્રી સુધી જીવનરક્ષક રસીઓ પહોંચે.
આજે વિશ્વ પોલિયો દિવસ નિમિત્તે, ભારત માત્ર પોતાની જીતની ઉજવણી જ નથી કરી રહ્યું, પરંતુ "દરેક બાળક, દરેક રસી, દરેક જગ્યાએ" ના વૈશ્વિક ધ્યેય સાથે સંપૂર્ણ રસીકરણ અને જાહેર આરોગ્ય પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને પણ દોહરાવી રહ્યું છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
