News of Friday, 24th October 2025
જીએસટી દરો ઘટતા દિવાળી પર ખરીદી વધીઃ એક જ દિવસમાં યુપીઆઇ દ્વારા ૧.૦ર લાખ કરોડની લેવડદેવડ
તા. ૧૮ ને શનિવારના રોજ દેશભરમાં ૭પ.૪ કરોડ ટ્રાન્ઝેકશન થયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના પ્રોત્સાહનથી ભારતમાં નાણાકીય લેણદેણ માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ આ દિવાળીના તહેવાર દરમિયાન GST દરોમાં કરવામાં આવેલા ઘટાડા પછી ખરીદીમાં વધારો થયો છે. એક અહેવાલ અનુસાર, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ 1.02 લાખ કરોડની લેવડદેવડ થઈ છે.
દિવાળી અને અન્ય તહેવારોના અવસરને કારણે 18 ઑક્ટોબરે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફતે રેકોર્ડ 1.02 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ દિવસે કુલ 75.4 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
નાણાં મંત્રીએ કહ્યું કે GST દરોમાં ઘટાડો થયા પછી તહેવારોમાં ગ્રાહકોની માંગમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે, મધ્યમ વર્ગના ગ્રાહકોની ખરીદ ક્ષમતામાં વધારો થયો છે. GST 2.0 લાગુ થવાથી દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે. પરિવારોને બચતનો લાભ મળ્યો અને બજારમાં માંગ વધી. ધનતેરસથી દિવાળી વચ્ચેના ત્રણ દિવસમાં સરેરાશ UPI લેવડદેવડ વધીને 73.69 કરોડ પર પહોંચી. આ આંકડો ગયા મહિનાના સમાન સમયગાળાના 64.74 કરોડ કરતાં વધુ છે.
દેશમાં પેમેન્ટ સીસ્ટમ્સ માં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગુરુવારે જાહેર કરાયેલા અહેવાલ અનુસાર દેશમાં કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન ચુકવણી પ્રણાલીમાં જથ્થાના હિસાબે ડિજિટલ ચુકવણી લેવડદેવડ 99.7 ટકા અને મૂલ્યના હિસાબે 97.5 ટકા સુધી પહોંચી ગયું હતું.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
