News of Friday, 24th October 2025
SEBI ની મોટી કાર્યવાહી: ફ્રન્ટ રનિંગના ગંભીર આરોપસર ૧૩ વ્યક્તિઓ પર સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રતિબંધ
ત્રણ ટ્રસ્ટોના વ્યવહારોમાં આંતરિક માહિતીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર નફો: આરોપીઓ પર રૂ.૫ લાખથી રૂ.૧૫ લાખ સુધીનો દંડ પણ લાદવામાં આવ્યો.

નવી દિલ્હી: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ગુરુવારે મોડી રાત્રે એક મોટો આદેશ જારી કરીને ફ્રન્ટ રનિંગના ગંભીર આરોપોસર ૧૩ વ્યક્તિઓ પર સિક્યોરિટીઝ માર્કેટમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રન્ટ રનિંગ એ એક ગેરકાયદેસર પ્રથા છે, જેમાં બ્રોકર અથવા વેપારી મોટા ગ્રાહકોના ભાવિ ઓર્ડર વિશેની આંતરિક માહિતીનો ઉપયોગ કરીને અગાઉથી પોતાના માટે શેર ખરીદી કે વેચીને નફો કમાય છે.
SEBI એ ત્રણ એન્ટિટી - ભરત કનૈયાલાલ શેટ ફેમિલી, રવિ કનૈયાલાલ શેટ ફેમિલી અને અર્જુન ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ઓર્ડર પ્લેસમેન્ટની તપાસ કરી હતી. આ તપાસનો સમયગાળો ૧ જાન્યુઆરી, ૨૦૨૧ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ સુધીનો હતો.
SEBI ના આદેશ મુજબ, આ ૧૩ વ્યક્તિઓ એવી રીતે શેરનું ટ્રેડિંગ કરી રહ્યા હતા કે જે ટ્રસ્ટો તેમને ખરીદે કે વેચે તે પહેલાં થઈ જતું હતું. આનાથી તેઓ ભાવની હેરફેરનો ફાયદો લઈને ગેરકાયદેસર નફો કમાતા હતા.
SEBI એ આ ૧૩ વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત, ફ્રન્ટ રનિંગ દ્વારા કમાયેલા ગેરકાયદેસર નફા પેટે રૂ.૫ લાખથી રૂ.૧૫ લાખ સુધીનો દંડ પણ લાદ્યો છે.
આ કાર્યવાહી બજારમાં પારદર્શિતા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે SEBI ની કડક નીતિ દર્શાવે છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
