<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

યુપીમાં મોટું એન્કાઉન્ટર: સંજીવ જીવા ગેંગનો રૂ.૧ લાખનો ઈનામી શાર્પશૂટર ફૈઝલ ઠાર

શામલીના જંગલમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબાર: એક કોન્સ્ટેબલ ઘાયલ, લૂંટ અને હત્યાના અનેક ગંભીર કેસમાં વોન્ટેડ હતો ફૈઝલ.

નવી દિલ્‍હીઃ ઉત્તર પ્રદેશ પોલીસને ગુરુવારે મોડી રાત્રે એક મોટી સફળતા મળી છે. શામલીના ઝીંઝણા વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલા ગોળીબારમાં સંજીવ જીવા ગેંગના સક્રિય શૂટર ફૈઝલને ઠાર કરવામાં આવ્યો છે. આ કુખ્યાત ગુનેગાર પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુરુવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઝીંઝણા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની સંયુક્ત ટીમને વેદખેડી રોડ પર લૂંટની માહિતી મળી હતી. વેદખેડી રોડ પર ભોગીમજરા જંગલમાં પોલીસ ટીમે ગુનેગારોને ઘેરવાનો પ્રયાસ કરતાં, ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો.
 જવાબી કાર્યવાહીમાં, કુખ્યાત ગુનેગાર ફૈઝલ ગોળીથી ઘાયલ થયો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ફૈઝલ મુઝફ્ફરનગરના ખાલાપરનો રહેવાસી હતો.
 એન્કાઉન્ટર દરમિયાન SOG ના કોન્સ્ટેબલ દીપક નિર્વાણને પણ ગોળી વાગી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતક ગુનેગાર ફૈઝલ સંજીવ જીવા ગેંગનો સક્રિય સભ્ય હતો અને તેની સામે હત્યા, લૂંટ, ખંડણી સહિતના અનેક ગંભીર આરોપો હતા. પોલીસ અધિક્ષક નરેન્દ્ર પ્રતાપ સિંહે પુષ્ટિ કરી કે ફૈઝલ ઘણા સમયથી પોલીસથી છટકી રહ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી બે મોટરસાયકલ, બે પિસ્તોલ અને જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. ફૈઝલનો એક સાથી અંધારાનો લાભ લઈને ભાગી ગયો છે, જેને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

(12:47 PM IST)