<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

પુતિનની અમેરિકાને સીધી 'યુદ્ધ'ની ચેતવણી: 'યુક્રેનને ટોમહોક મિસાઈલ આપી તો રશિયાની પ્રતિક્રિયા ચોંકાવનારી હશે'

નવા અમેરિકન પ્રતિબંધો અને શિખર સંમેલન રદ થતાં રશિયા આક્રમક: પૂર્વ રાષ્ટ્રપતિ મેદવેદેવે પ્રતિબંધોને 'યુદ્ધની કાર્યવાહી' ગણાવ્યા; ગમે ત્યારે યુક્રેન પર મોટો હુમલો થવાની સંભાવના.

નવી દિલ્હી/મોસ્કો: અમેરિકા દ્વારા રશિયન ઓઇલ કંપનીઓ પર નવા અને કડક પ્રતિબંધો લાદવામાં આવતા અને પ્રસ્તાવિત બુડાપેસ્ટ શિખર સંમેલન રદ થતાં રશિયાએ પશ્ચિમી દેશો પ્રત્યે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાને સીધી ચેતવણી આપી છે કે, જો યુક્રેનને રશિયાની અંદર સુધી હુમલો કરવા માટે ટોમહોક ક્રૂઝ મિસાઈલ જેવા લાંબી દૂરીના હથિયારો આપવામાં આવ્યા, તો મોસ્કોની પ્રતિક્રિયા "કચડી નાખનારી અને ચોંકાવનારી" હશે.
રશિયાના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આ પ્રતિક્રિયાને વધુ આક્રમક બનાવી છે. તેમણે નવા અમેરિકન પ્રતિબંધોને "રશિયા વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી (Act of War)" ગણાવ્યા છે.
મેદવેદેવે સ્પષ્ટ કહ્યું કે, "હવે કોઈ ભ્રમ ન રાખશો. અમેરિકા આપણો દુશ્મન છે અને ટ્રમ્પ હવે રશિયા વિરુદ્ધ યુદ્ધના માર્ગ પર છે. હવે રશિયા બિનજરૂરી વાતચીતની પરવા કર્યા વિના યુક્રેન પર હુમલો કરી શકે છે અને જમીન પર જીત મેળવી શકે છે, ટેબલ પર નહીં."
યુક્રેન લાંબા સમયથી અમેરિકા પાસેથી લગભગ ૧૬૦૦ કિલોમીટરની રેન્જવાળી ટોમહોક મિસાઇલોની માંગ કરી રહ્યું છે, જેથી તે રશિયાની અંદરના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે. આ પૃષ્ઠભૂમિમાં જ પુતિનનું આ કડક નિવેદન આવ્યું છે.
પુતિને ચેતવણી આપી કે રશિયન તેલ પરના પ્રતિબંધોની ખરાબ અસર અંતે અમેરિકન ગ્રાહકો પર જ પડશે, કારણ કે વૈશ્વિક તેલના ભાવ વધશે, જે ચૂંટણી સમયે ટ્રમ્પ માટે મુશ્કેલી ઊભી કરશે. જોકે, તેમણે ટ્રમ્પ સાથેની બેઠક સંપૂર્ણપણે રદ ન થઈ હોવાનું અને પડદા પાછળ વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું હતું.

(1:31 PM IST)