તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Friday, 24th October 2025
ગુજરાતમાં ૧૫ દિવસમાં બીજી વખત ધરતી ધ્રુજી : દિવાળીની રોનક વચ્ચે સૌરાષ્ટ્રના જેતપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ભૂકંપનો ઝટકો : લોકો ઘરોની બહાર દોડી આવ્યા
રિક્ટર સ્કેલ પર ૩.૬ની તીવ્રતા નોંધાઈ : ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી ૨૪ કિલોમીટર દૂર : બપોરે ૧૨:૩૭ મિનિટે આંચકો આવતા લોકોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો

રાજકોટ, તા. ૨૪ ઓક્ટોબર : માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં જ ગુજરાતની ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. બે અઠવાડિયા પહેલા નવસારીમાં ભૂકંપ આવ્યા બાદ હાલ દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે સૌરાષ્ટ્રની ધરતી ફરી ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે ૧૨:૩૭ મિનિટે રાજકોટના જેતપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકો પોતાનું કામ પડતું મૂકી પોત-પોતાના ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા. લોકોના જણાવ્યા અનુસાર, આ ઝટકો થોડી સેકન્ડો સુધી રહ્યો, પરંતુ તેની તીવ્રતાએ લોકોને ઘરની બહાર દોડી આવવા મજબૂર કર્યા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભૂકંપ માપન કેન્દ્રમાંથી મળતી વિગતો મુજબ, આજે બપોરે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર ૩.૬ની તીવ્રતા નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicentre) ગોંડલથી ૨૪ કિલોમીટર દૂર નોંધાયું છે.
જોકે, આ આંચકાઓની તીવ્રતા હળવી હોવાથી હાલ સુધીમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી નથી. પરંતુ તહેવારના માહોલમાં ફરી એકવાર ભૂકંપ આવતાં લોકોમાં દહેશત જોવા મળી રહી છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
