News of Friday, 24th October 2025
અમેરિકાએ વેજેઝુએલાની સીમા નજીક સુપરસોનીક બોમ્બર વિમાન ઉડાવ્યું
ટ્રમ્પે આ ઘટનાને ખોટી ગણાવીઃ બન્ને દેશો વચ્ચે વધતો તણાવ

નવી દિલ્હીઃ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ વધતા તણાવની વચ્ચે અમેરિકી મિલિટરીએ કેરેબિયન સમુદ્ર અને વેનેઝુએલાના દરિયાકાંઠા પર આકાશમાં એક સુપરસોનિક અને ભારે બોમ્બર વિમાન ઉડાવ્યું હતું. જોકે અહેવાલોમાં કરાયેલા આ દાવાને અમેરિકી રાષ્ટ્રપતિએ ખોટો ગણાવ્યો છે.
હકીકતમાં આ એક સપ્તાહમાં યુએસ મિલિટરી એરક્રાફ્ટ દ્વારા શક્તિનું આ બીજું પ્રદર્શન હતું. બોમ્બરની આ ઉડાન એવા સમયે થઈ છે જ્યારે વોશિંગ્ટન આ વિસ્તારમાં કથિત ડ્રગ તસ્કરો સામે લશ્કરી અભિયાન (મિલિટરી કેમ્પેન) ચલાવી રહ્યું છે.
ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 ના ડેટા પરથી જાણવા મળ્યું છે કે ગુરુવારે બપોરે એક B-1B વિમાન વેનેઝુએલાના દરિયાકિનારા તરફ ઉડાન ભરી રહ્યું હતું. ત્યારબાદ તેણે યુ-ટર્ન લીધો અને પાછું ફરી ગયું અને પછી તે દેખાયું નહોતું.
વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાએ વેનેઝુએલા નજીક B-1B મોકલ્યા છે, તો તેમણે આ વાતને ખોટી ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા ઘણા કારણોસર વેનેઝુએલાથી ખુશ નથી.
બોમ્બર વિમાનની આ નવી ઉડાન યુએસના B-52 બોમ્બર્સ વેનેઝુએલાના કિનારે ઘણા કલાકો સુધી ચક્કર લગાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી થઈ છે. યુએસ સેનાએ આ મિશનને જોખમોને રોકવા અને તૈયારીનું પ્રદર્શન ગણાવ્યું હતું.
અમેરિકી સેનાએ જણાવ્યું હતું કે આ પગલું અમેરિકાના દુશ્મન જોખમોને પહેલાથી રોકવા, ક્રૂ તાલીમને સુધારવા, અને કોઈપણ આકસ્મિક સ્થિતિ અથવા પડકારનો જવાબ આપવા માટે જરૂરી વૈશ્વિક દળની તૈયારી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
