<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

ગિરનાર રોપવેની ગૌરવપૂર્ણ ૫ વર્ષની સફર : પ્રવાસીઓ માટે વરદાનરૂપ પ્રોજેક્ટ બન્યો પર્યટનનું પાવરહાઉસ : ૩૪ લાખ ભક્તોને ૩૫૦૦ ફૂટ ઊંચાઈ પર માં અંબાજીના ધામ સુધી પહોંચાડ્યા

૨૪ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા ₹૧૩૦ કરોડના, ૨.૩ કી. મી. ના રોપવેની સફર માત્ર ૭ મિનિટની : એડવાન્સ બુકિંગથી લઈને એરોડાયનેમિક ડિઝાઇન સુધીની તમામ સુવિધાઓ

જૂનાગઢ, તા. ૨૪ ઓક્ટોબર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણનો પ્રોજેક્ટ અને ગુજરાતના પ્રવાસનનું ગૌરવ એવા ગિરનાર રોપવેએ આજે તેના સંચાલનના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ રોપવે પ્રારંભ થયા બાદ જૂનાગઢનું પૌરાણિક ગિરનાર પર્વત પર્યટનનું મોટું કેન્દ્ર બન્યું છે. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી અને પૂર્વ પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનું ઈલોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રવાસીઓ માટે વરદાન અને સિદ્ધિ
ઉષા બ્રેકો કંપની સંચાલિત આ ₹૧૩૦ કરોડના અત્યાધુનિક પ્રોજેક્ટથી લાખો શ્રદ્ધાળુઓ માટે 3500 ફૂટની ઊંચાઈ પર સ્થિત મા અંબાજીના મંદિરના દર્શન કરવા સરળ બન્યા છે. લોકાર્પણ થયાના આ પાંચ વર્ષના સમયગાળામાં ૩૪ લાખથી વધુ પ્રવાસીઓએ આહલાદક સફરનો લાભ લીધો છે, જેમાં એક વર્ષમાં ૫ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર જંગલના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો છે.
ટેકનોલોજી અને સુરક્ષા
ઊંચા પવનની ગતિ સામે ટકી રહેવા માટે રોપવેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવવામાં આવી છે. ૨.૩ કિલોમીટરના આ રૂટ પર કુલ ૯ ટાવર લગાવવામાં આવ્યા છે, જેમાં ૬ નંબરનો ટાવર સૌથી ઊંચો છે. ટાવરની ઊંચાઈ ૮ માળ જેટલી રખાઈ છે. જર્મનીથી મંગાવેલા રોપ અને ૮ મુસાફરોની ક્ષમતા ધરાવતી અધ્યતન ટ્રોલી સાથે, લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધીની સફર માત્ર ૭ મિનિટમાં પૂરી થાય છે.
વ્યવસ્થાપન અને સુવિધાઓ:
ઉષા બ્રેકો કંપની લિમિટેડના દીપકભાઈ કપલીસના માર્ગદર્શન હેઠળ મેનેજર નોડીયાલ અને પટેલની ટીમ હાલમાં વ્યવસ્થા સંભાળી રહી છે. કંપની દ્વારા ઓનલાઇન ટિકિટ બુકિંગ, વિશાળ કાફેટરિયા, સેલ્ફી ઝોન અને બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

(4:03 PM IST)