News of Friday, 24th October 2025
વિવાદ પર બ્રેક! નેસેટમાં મતદાન પછી ઇઝરાયલે વેસ્ટ બેંકના જોડાણ બિલો સ્થગિત કર્યા; PM નેતન્યાહૂએ વિપક્ષ પર 'રાજકીય સ્ટંટ'નો આરોપ મૂક્યો!
હાલ પૂરતું ઇઝરાયલે બિલો સ્થગિત કરીને આંતરરાષ્ટ્રીય અને આંતરિક રાજકીય તણાવને હળવો કરવાનો પ્રયાસ કર્યો: વેસ્ટ બેંકના જોડાણનો મુદ્દો ઇઝરાયલના રાજકારણમાં સંવેદનશીલ વિષય

જેરુસલેમ, તા. ૨૪ : ઇઝરાયલી સંસદ (નેસેટ) માં પ્રારંભિક મતદાન દ્વારા પસાર કરાયેલા પશ્ચિમ કાંઠાના જોડાણ (Annexation) સંબંધિત બિલોને ઇઝરાયલે હાલ પૂરતા સ્થગિત કરી દીધા છે. આ પગલું અમેરિકન દબાણ અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓના સંદર્ભમાં અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.
સરકારી ગઠબંધનના અધ્યક્ષ ઓફિર કાત્ઝે એક નિવેદનમાં પુષ્ટિ કરી કે પશ્ચિમ કાંઠાનું સંપૂર્ણ જોડાણ અને જેરુસલેમ નજીકની માલે અદુમિમ વસાહતના જોડાણ માટેના બિલોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આગળ વધારવામાં આવશે નહીં.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન વિવાદ:
ઇઝરાયલી સંસદે બુધવારે જ માલે અદુમિમ અને પશ્ચિમ કાંઠાની તમામ વસાહતો પર ઇઝરાયલી કાયદા અને વહીવટ લાગુ કરવાના બે બિલોની તરફેણમાં મતદાન કર્યું હતું. આ મતદાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની દેશની મુલાકાત દરમિયાન કરવામાં આવ્યું હતું, જેના કારણે વિવાદ સર્જાયો હતો.
ગુરુવારે રવાના થતા પહેલા તેલ અવીવની બહાર બેન ગુરિયન આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પત્રકારો સાથે વાત કરતા, યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે આ મતદાનને 'રાજકીય સ્ટંટ' ગણાવ્યો હતો જેનું કોઈ વ્યવહારિક મહત્વ નથી.
નેતન્યાહૂએ વિપક્ષને નિશાન બનાવ્યા:
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે પણ આ સમગ્ર ઘટનાક્રમ માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યા. કાર્યાલયના નિવેદનમાં જણાવાયું કે જોડાણ પર સંસદીય મતદાન એ વિપક્ષ દ્વારા ઇરાદાપૂર્વકની રાજકીય ઉશ્કેરણી હતી, જેનો હેતુ યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની ઇઝરાયલ મુલાકાત દરમિયાન 'મતભેદ વાવવાનો' હતો.
હાલ પૂરતું ઇઝરાયલે બિલો સ્થગિત કરીને આંતરરાષ્ટ્રીય અને આંતરિક રાજકીય તણાવને હળવો કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, વેસ્ટ બેંકના જોડાણનો મુદ્દો ઇઝરાયલના રાજકારણમાં એક સંવેદનશીલ વિષય રહેશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
