News of Friday, 24th October 2025
સરકારે શરૂ કરી દેશની પ્રથમ સહકારી કેબ સેવા 'ભારત ટેક્સી' : ઓલા અને ઉબેરને આપશે ટક્કર
ભારત ટેક્સીનું સંચાલન સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

નવી દિલ્હી :ઓલા અને ઉબેર જેવી ખાનગી કેબ સેવાઓ અંગે રોજિંદી ફરિયાદો નવી નથી. ક્યારેક મુસાફરો ગંદી ગાડીઓ વિશે ફરિયાદ કરે છે, ક્યારેક મનસ્વી ભાડાં વિશે અને ક્યારેક રાઈડ રદ થવાને કારણે મુશ્કેલી અનુભવે છે. આવી સમસ્યાઓનો અંત લાવવા માટે કેન્દ્ર સરકારે એક અનોખી અને સહકારી પહેલ હાથ ધરી છે ‘ભારત ટેક્સી’, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા.
ભારત ટેક્સી એ કેન્દ્ર સરકારની સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ (NeGD) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી નવી સહકારી કેબ સેવા છે. તેનું સંચાલન સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ કોઈ ખાનગી કંપની નહીં, પણ સહકારી સંસ્થા તરીકે કાર્ય કરશે એટલે કે ડ્રાઈવરો જ આ સેવાના સહ-માલિક રહેશે.
ઓલા અને ઉબેરમાં ડ્રાઈવરોને દરેક રાઇડ પર મોટો કમિશન ચૂકવવો પડે છે, જ્યારે ભારત ટેક્સીમાં એવો કોઈ કમિશન મોડલ નથી. ડ્રાઇવરોને તેમની કમાણીનો 100% હિસ્સો મળશે. તેમને ફક્ત નાની દૈનિક, સાપ્તાહિક અથવા માસિક સભ્યપદ ફી ચૂકવવી પડશે.આ રીતે ડ્રાઇવરો માટે આ વધુ ફાયદાકારક અને મુસાફરો માટે વધુ વિશ્વસનીય સેવા સાબિત થઈ શકે છે.
ભારત ટેક્સીનો પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બર મહિનામાં દિલ્હીમાં શરૂ થશે, જેમાં 650 વાહનો અને ડ્રાઇવરો સામેલ રહેશે. ડિસેમ્બર 2025 થી આ સેવા મોટા પાયે શરૂ થવાની છે અને બાદમાં ધીમે ધીમે દેશના અન્ય શહેરોમાં ફેલાશે. શરૂઆતના તબક્કામાં આશરે 5,000 ડ્રાઇવરો જોડાવાની શક્યતા છે. આગામી સમયમાં આ સેવા મુંબઈ, પુણે, ભોપાલ, લખનૌ, જયપુર સહિત 20થી વધુ શહેરોમાં ઉપલબ્ધ બનશે
ભારત ટેક્સી એપનો ઉપયોગ ઓલા અને ઉબેર જેવી જ સરળતાથી કરી શકાય છે.
Android યુઝર્સ માટે : Google Play Store પરથી “Bharat Taxi” એપ ડાઉનલોડ કરી શકાશે.
iPhone યુઝર્સ માટે : Apple App Store પરથી ઉપલબ્ધ રહેશે.
એપ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે, જેથી દેશભરના મુસાફરો માટે તેનો ઉપયોગ સરળ બને.
સેવા પર દેખરેખ રાખવા માટે એક ખાસ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. અમૂલ બ્રાન્ડના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ વિવિધ સહકારી સંસ્થાઓના આઠ પ્રતિનિધિઓને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારત ટેક્સી માત્ર એક કેબ સેવા નથી, પરંતુ સહકાર અને સ્વાવલંબનના ભાવને મજબૂત કરતી પહેલ છે. આ પહેલથી ડ્રાઇવરોને આર્થિક સશક્તિકરણ મળશે, મુસાફરોને વધુ સારી અને વિશ્વસનીય સેવા મળશે, અને દેશને ખાનગી મોનોપોલીથી મુક્તિ મળશે. ભારત ટેક્સી ભારતના પરિવહન ક્ષેત્રમાં એક મોટો ફેરફાર લાવી શકે છે. સહકારી મોડલના આ આધુનિક ઉદાહરણથી ન માત્ર ડ્રાઈવરોને ન્યાયી કમાણી મળશે, પરંતુ મુસાફરોને પણ વધુ સસ્તી અને વિશ્વસનીય સેવા મળશે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
