News of Friday, 24th October 2025
દિવસભર યુટ્યુબ Shorts જોવાની આદતને લાગશે બ્રેક : યુટ્યુબ એ 'Shorts Timer' ફીચર લોન્ચ કર્યું : હવે યુઝર્સ પોતે જ સમય મર્યાદા નક્કી કરી શકશે
'Mindful Viewing' અને 'Responsible Digital Habits' મિશન હેઠળ યુટ્યુબ નું મોટું પગલું : નક્કી કરેલી સમયમર્યાદા પૂરી થતાં જ Shorts ફીડ આપોઆપ અટકશે : ટૂંક સમયમાં 'પેરેન્ટલ કંટ્રોલ'માં પણ આ સુવિધા ઉમેરાશે

નવી દિલ્હી : જો તમે પણ દિવસભર YouTube Shorts સ્ક્રોલ કરવાની આદત ધરાવો છો, તો હવે તમારી આ આદત પર લગામ લાગવા જઈ રહી છે. YouTube એ એક નવું ફીચર 'Shorts Timer' લોન્ચ કર્યું છે, જેની મદદથી યુઝર્સ પોતે જ શોર્ટ વીડિયો જોવાનો દૈનિક સમય નક્કી કરી શકશે. આ પગલું લાંબા સમય સુધી સ્ક્રોલિંગ કરવાની લતને દૂર કરવામાં મદદ કરશે.
શું છે YouTube Shorts Timer ફીચર?
આ નવા ફીચર દ્વારા યુઝર એપમાં શોર્ટ વીડિયો જોવા માટેની દૈનિક સમય મર્યાદા સેટ કરી શકે છે. એકવાર આ નક્કી કરેલી સમયસીમા પૂરી થઈ જાય, પછી YouTube આપોઆપ Shorts ફીડને રોકી દે છે. આ સાથે જ સ્ક્રીન પર એક સંદેશ દેખાય છે - 'આજ કા શોર્ટસ દેખને કા સમય પૂરા હો ચુકા હૈ.'
જવાબદાર ડિજિટલ આદતો તરફનું પગલું
YouTube નું આ નવું ફીચર 'Mindful Viewing' એટલે કે વિચારપૂર્વક વીડિયો જોવાને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે ઘણીવાર યુઝર્સ ધ્યાન આપ્યા વિના લાંબા સમય સુધી શોર્ટ વીડિયો સ્ક્રોલ કરતા રહે છે, જેનાથી તેમનો સ્ક્રીન ટાઈમ અસામાન્ય રીતે વધી જાય છે.
YouTube એ સ્પષ્ટતા કરી કે આ ફીચર તેના 'Responsible Digital Habits' મિશનનો એક ભાગ છે. આ પહેલા પ્લેટફોર્મ 'Take a Break' અને 'Bedtime Reminder' જેવા ફીચર્સ રજૂ કરી ચૂક્યું છે, જે યુઝર્સને ચોક્કસ સમય પછી બ્રેક લેવાની સલાહ આપતા હતા.
સખત અમલવારી અને ભવિષ્યની યોજના
જ્યાં અગાઉના ફીચર્સને સરળતાથી અવગણી શકાય તેમ હતું, ત્યાં 'Shorts Timer' થોડું કડક છે. નક્કી કરેલી સમયમર્યાદા પૂરી થયા પછી એપમાં Shorts ફીડ આપોઆપ બંધ થઈ જાય છે અને આગામી વીડિયો જોવા માટે યુઝરે ફરજિયાતપણે ટાઈમર સેટિંગ્સમાં ફેરફાર કરવો પડે છે.
હાલમાં આ ફીચર ફક્ત વ્યક્તિગત એકાઉન્ટ્સ માટે જ ઉપલબ્ધ છે, પરંતુ કંપની તેને ટૂંક સમયમાં 'Parental Control' (પેરેન્ટલ કંટ્રોલ) હેઠળ પણ લાવવાની તૈયારીમાં છે. એકવાર આ અપડેટ આવી ગયા પછી, માતા-પિતા તેમના બાળકો માટે Shorts જોવાની સમય મર્યાદા સેટ કરી શકશે. કંપની આ અપડેટ વર્ષના અંત સુધીમાં પેરેન્ટલ મોડમાં સામેલ થવાની અપેક્ષા રાખે છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
