<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

જામનગર ફરી વાર બોલિવૂડ સેલેબ્રિટીઝથી ઝળહળ્યું :ઈશા અને આકાશ અંબાણીના જન્મદિવસની ઉજવણી

કરણ જોહર, દિશા પટણી અને અર્જુન કપૂર સહિતની બોલિવૂડ સેલિબ્રિટીની સાથે અન્ય જાણીતા સેલિબ્રિટી ઓરી પણ જામનગર પહોંચ્યા:અર્જુન કપૂર અને દિશા પટણી રીક્ષામાં બેસીને ફોટોશૂટ કરાવ્યું :કાર્યક્રમમાં સંગીત, ફેશન અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળશે.

જામનગર શહેર ફરી એકવાર બોલિવૂડની ચમકથી ઝળહળી ઉઠ્યું છે. રિલાયન્સ પરિવારના સભ્યો, આકાશ અંબાણી અને ઈશા અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે બોલિવૂડ જગતના અનેક સિતારાઓનું આગમન શરૂ થઈ ગયું છે. આ ખાસ પ્રસંગે અભિનેત્રી દિશા પટણી અને અભિનેતા અર્જુન કપૂર જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં તેમના સ્ટાઇલિશ લુક્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ કલાકારોએ એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે આકર્ષક ફેશન સેન્સમાં કેમેરામાં કેદ થયા હતા. દિશા પટણી બ્લેક ક્રોપ ટોપ, બેગી એસિડ-વોશ ડેનિમ જીન્સ અને ડાર્ક સનગ્લાસિસમાં કેઝ્યુઅલ છતાં આધુનિક દેખાઈ રહી હતી. બીજી તરફ, અર્જુન કપૂર ઓલ-બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે રિલેક્સ્ડ શર્ટ અને ટ્રાઉઝર પહેર્યા હતા, જે તેની આગવી શૈલીને પ્રતિબિંબિત કરતો હતો. બંને કલાકારોએ એરપોર્ટ પર ઉપસ્થિત લોકોને અભિવાદન કરતા અને સ્મિત કરતા જોવા મળ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા.

આ ઉજવણીમાં કરણ જોહર, દિશા પટણી અને અર્જુન કપૂર સહિતની બોલિવૂડ સેલિબ્રિટીની સાથે અન્ય જાણીતા સેલિબ્રિટી ઓરી (ઓરહાન અવત્રામણિ) પણ જામનગર પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ રહી કે, અર્જુન કપૂર અને દિશા પટણી રીક્ષામાં બેસીને ફોટોશૂટ કરતા જોવા મળ્યા હતા, જે દૃશ્ય ચાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અંબાણી પરિવાર દ્વારા જામનગરની રિલાયન્સ ટાઉનશિપમાં આયોજિત આ જન્મદિવસની ઉજવણી કોઈ ફિલ્મ પ્રમોશન માટે નહીં, પરંતુ એક ખાનગી અને ભવ્ય પારિવારિક સમારોહ માટે છે. આ કાર્યક્રમમાં સંગીત, ફેશન અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળશે. દિશા અને અર્જુન ઉપરાંત, અનેક સેલિબ્રિટીઓ, જાણીતા સિંગર્સ અને બોલિવૂડ હસ્તીઓ હાજરી આપવાના છે, જે અંબાણી પરિવારના કાર્યક્રમોની પરંપરાને અનુરૂપ છે.

આ સેલિબ્રિટીઓના આગમનથી જામનગર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. સ્થાનિક ચાહકોને પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક જોવા મળી રહી છે. અંબાણી પરિવારના આ ગ્રાન્ડ સેલિબ્રેશનને કારણે આખું જામનગર હાલ ફિલ્મી રંગમાં રંગાઈ ગયું છે, જે શહેરના વાતાવરણમાં એક અનેરી ચમક ઉમેરી રહ્યું છે.

(8:57 PM IST)