News of Friday, 24th October 2025
પરમાણુ બોમ્બની ચાવી અમેરિકાને સોંપી દીધી હતી! પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફને લઈને CIA ના પૂર્વ અધિકારીનો સનસનીખેજ ખુલાસો
CIA ના પૂર્વ અધિકારી જ્હોન કિરિયાકુનો દાવો : અમેરિકાએ કરોડો ડૉલર આપીને મુશર્રફને ખરીદી લીધા હતા : મુશર્રફ માત્ર સેનાને ખુશ રાખવા અને ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત હતા

વોશિંગ્ટન : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફને લઈને એક અત્યંત સનસનીખેજ ખુલાસો થયો છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) ના પૂર્વ અધિકારી જ્હોન કિરિયાકુએ દાવો કર્યો છે કે મુશર્રફે પાકિસ્તાનના પરમાણુ હથિયારોની ચાબી અમેરિકાને સોંપી દીધી હતી.
એક ઇન્ટરવ્યૂમાં જ્હોન કિરિયાકુએ જણાવ્યું કે અમેરિકાએ પાકિસ્તાન પર કરોડો ડૉલરનો વરસાદ કરીને એક રીતે મુશર્રફને ખરીદી લીધા હતા. તેમણે તે સમયને યાદ કરતા કહ્યું કે, ડિસેમ્બર ૨૦૦૧ માં ભારતીય સંસદ પર હુમલો થયો હતો અને વર્ષ ૨૦૦૨ માં ભારત-પાકિસ્તાન યુદ્ધની આરે હતા.
મુશર્રફને ખરીદી લેવાનું કારણ
૧૫ વર્ષ સુધી CIA માં એનાલિસ્ટ તરીકે અને બાદમાં કાઉન્ટરટેરરિઝમ પર કામ કરી ચૂકેલા કિરિયાકુએ જણાવ્યું કે, "જો હું ઈમાનદારીથી કહું તો, અમેરિકાને તાનાશાહો સાથે કામ કરવું ગમતું હતું. કારણ કે આવી પરિસ્થિતિઓમાં તમારે સામાન્ય જનતાના વિચારોની કે મીડિયાની પરવા કરવી પડતી નથી. આ રીતે અમે મુશર્રફને એક રીતે ખરીદી લીધા હતા. અમે સહાયતાના રૂપમાં પાકિસ્તાનને ઘણા મિલિયન ડૉલર આપ્યા, જેના કારણે અમેરિકા જે કંઈપણ ઇચ્છતું હતું, તે કરી શકતું હતું અને મુશર્રફ કંઈ કરી શકતા નહોતા."
કિરિયાકુએ વધુમાં જણાવ્યું કે તે સમયે પાકિસ્તાન જબરદસ્ત રીતે ભ્રષ્ટાચારમાં ડૂબેલું હતું, જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો ખાડી દેશોમાં આલીશાન જીવન જીવી રહ્યા હતા અને પાકિસ્તાનમાં સામાન્ય જનતા ભૂખમરાના આરે હતી.
આંતકવાદ અને ભારત પ્રત્યેનો અભિગમ
કિરિયાકુના મતે, જનરલ મુશર્રફનું સંપૂર્ણ ધ્યાન માત્ર સેનાને ખુશ રાખવા પર હતું. તેઓ અમેરિકાની સાથે હોવાનો દેખાડો કરતા હતા, તેમજ ભારત વિરુદ્ધની આતંકવાદી ગતિવિધિઓ પર લગામ લગાવવાની દિશામાં કામ કરી રહ્યા હોવાનું પણ દર્શાવતા હતા.
જોકે, હકીકતમાં તેઓ ભારત વિરુદ્ધની આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા. કિરિયાકુએ ખુલાસો કર્યો કે મુશર્રફના કાર્યકાળમાં પાકિસ્તાની સેનાને અલકાયદાની બિલકુલ ચિંતા નહોતી, તેમને માત્ર ભારતની ચિંતા રહેતી હતી.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
