News of Saturday, 25th October 2025
પુષ્કર મેળોઃ 1 કરોડની ઘોડી 'નગીના' આકર્ષણનું કેન્દ્ર,
લોકો ઘોડીને જોવા ઉમટયાઃ અનેક સ્પર્ધાઓ નગીનાએ જીતી છે

જયપુરઃ રાજસ્થાનના અજમેરમાં યોજાયેલા વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળામાં આ વખતે 1 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી 'નગીના' નામની ઘોડીનું આગમન થયું છે. આ ઘોડી મેળામાં આવતા લોકોમાં સૌથી મોટું આકર્ષણ બની રહી છે. મેળામાં આવતા પ્રવાસીઓ તેને જોવા માટે ઉમટી રહ્યા છે. નગીના પ્રખ્યાત ઘોડા 'દિલબાગ'ની દીકરી છે.
વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળો આ વર્ષે ફરી એકવાર તેની રોનક માટે ચર્ચામાં છે. મેળામાં સૌથી મોટું આકર્ષણ બની છે એક કરોડની ઘોડી નગીના, જે પંજાબની ચાર મોટી સ્પર્ધાઓમાં વિજેતા રહી ચૂકી છે. મેળામાં તેના પહોંચતાની સાથે જ તેની એક ઝલક જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. નગીનાની ચમકદાર કાયા અને તેની શાનદાર ચાલ જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે. નગીના જેવી શાહી ઘોડી આ મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે.
'નગીના' ઘોડી હાલ 31 મહિનાની છે. જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. તેના માલિક ગોરા ભાઈએ કહ્યું કે તે 2010થી આ મેળામાં આવે છે. 'નગીના' ઘોડી 2.5 મહિનાની ગર્ભવતી છે. અમે તેની કિંમત 1 કરોડ રૂપિયા આંકી છે. તે જુદા જુદા શોમાં ભાગ લઈ રહી છે અને જુદા જુદા પોઝિશનમાં જીતી રહી છે.
આ વર્ષે પુષ્કર મેળામાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી અનેક નામી ઘોડાઓ અને ઊંટો પહોંચ્યા છે. પ્રશાસને પશુપાલકો અને મુલાકાતીઓ માટે વિશેષ તંબુઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આ મેળામાં ઊંટોની સજાવટ અને ઘોડાઓની સુંદરતા સૌનું મન મોહી રહી છે. પુષ્કર મેળો ફક્ત વેપારનું કેન્દ્ર નથી, પરંતુ તે સાંસ્કૃતિક અને પારંપરિક વારસાનું પ્રતીક પણ છે. આ દરમિયાન પશુપાલકો પોતાના ઘોડાઓની તાકાત અને સુંદરતાનું પ્રદર્શન કરી રહ્યા છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
