<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

પીયૂષ ગોયલે જર્મની-યુકેને જાહેર મંચ પર ચૂપ કરાવ્યા: 'તમને મુક્તિ મળે, તો ભારત સામે વાંધો કેમ?'

બર્લિનમાં કેન્દ્રીય મંત્રીનો પશ્ચિમી દેશો પર આકરો પ્રહાર: રશિયન તેલ ખરીદી પરના US પ્રતિબંધોમાંથી યુરોપીય દેશોને છૂટ, તો ભારતને નિશાન બનાવવું અન્યાયી.


બર્લિન: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી *પીયૂષ ગોયલે*શુક્રવારે બર્લિન ગ્લોબલ ડાયલોગ કોન્ફરન્સમાં પશ્ચિમી દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે સણસણતો સવાલ પૂછીને અવાક કરી દીધા હતા. તેમણે યુકેના વેપાર મંત્રી ક્રિસ બ્રાયન્ટ સાથેની ચર્ચા દરમિયાન, *રશિયા પાસેથી તેલ ખરીદવા માટે યુરોપીય દેશો પોતે યુએસ પ્રતિબંધોમાંથી મુક્તિ માંગી રહ્યા છે*, ત્યારે ભારતને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે, તેવો પ્રશ્ન કર્યો.
ગોયલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "મેં આજના અખબારમાં વાંચ્યું કે *જર્મની તેલ માટે યુએસ પ્રતિબંધોમાંથી મુક્તિ માંગી રહ્યું છે. બ્રિટનને પહેલાથી જ મુક્તિ મળી ચૂકી છે.*તો ભારતને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે?"
બ્રિટિશ મંત્રી ક્રિસ બ્રાયન્ટે જ્યારે તેમની મુક્તિ ફક્ત 'રોઝનેફ્ટ'ની પેટાકંપનીને જ લાગુ પડે છે તેવો બચાવ કર્યો, ત્યારે ગોયલે તત્કાળ વળતો પ્રહાર કર્યો, "અમારી પાસે રોઝનેફ્ટની પેટાકંપની પણ છે... તો ભારત કેમ..."આ જવાબ બાદ બ્રિટિશ મંત્રી અવાચક રહી ગયા.
ગોયલની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને તેના સહયોગી દેશો ભારત પર રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે અને ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો પણ લાદી રહ્યા છે.
ગોયલે ભારતની સ્વતંત્ર વેપાર નીતિ પર ભાર મૂકતા જણાવ્યું કે "અમે ક્યારેય સમયમર્યાદા કે માથા પર બંદૂક રાખીને કોઈ વેપાર કરારમાં પ્રવેશ કરતા નથી. જો કોઈ ટેરિફ લાદે છે, તો તેમને તે કરવા દો. અમે નવા બજારો શોધી રહ્યા છીએ."
તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતના વેપાર સંબંધો રાષ્ટ્રીય હિતો દ્વારા નક્કી થાય છે, કોઈ બાહ્ય દબાણ દ્વારા નહીં.
ભારતનું લક્ષ્ય આગામી ૨૦-૨૫ વર્ષમાં $૩૦ ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનું છે અને દેશ ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ શ્રેષ્ઠ સોદા કરશે.
ગોયલે સત્રના અંતે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતના આર્થિક મૂળભૂત સિદ્ધાંતો મજબૂત છે અને દેશ દબાણને વશ થઈને ટૂંકા ગાળાના કે નબળા સોદા કરશે નહીં.

(3:06 PM IST)