News of Saturday, 25th October 2025
લોકોને પેટ પકડીને હસાવનાર દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે દુઃખદ નિધન : ફિલ્મ અને ટીવી જગત શોકમગ્ન
'સારાભાઈ વર્સિસ સારાભાઈ'ના ઈન્દ્રવદન સારાભાઈ (ઇન્દુ) તરીકે ઘરે-ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી મૂળના અભિનેતાનું કિડની સંબંધિત લાંબી બીમારી બાદ અવસાન : ૧૯૮૦ના દાયકામાં 'યહ જો હૈ ઝિંદગી'માં ૫૫ અલગ-અલગ ભૂમિકાઓ ભજવીને કરી હતી કારકિર્દીની શરૂઆત

મુંબઈ, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ : બોલિવૂડ અને ટીવી જગત માટે શનિવારનો દિવસ એક દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. અભિનય જગતની જાણીતી હસ્તી અને કોમેડીના બાદશાહ ગણાતા દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે. કિડની સંબંધિત લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ તેમણે ૨૫ ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે ૨.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) માંથી તાલીમ પામેલા સતીશ શાહે પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા અને ઓળખ ઘરે-ઘરે પહોંચાડનાર શો 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' હતો.
'ઇન્દુ' તરીકે અમર બની ભૂમિકા
'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં તેમણે ભજવેલા ઈન્દ્રવદન સારાભાઈ ઉર્ફે 'ઇન્દુ' ના પાત્રે દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી હતી. આ કોમેડી શોમાં તેમની ભૂમિકા કમાલની હતી, અને આજે પણ સોશિયલ મીડિયા પર તેમના ક્લિપ્સ ખૂબ વાયરલ થાય છે.
ગુજરાતી મૂળના સતીશ રવિલાલ શાહનો જન્મ ૨૫ જૂન, ૧૯૫૧ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૯૭૨માં ડિઝાઇનર માધુ શાહ સાથે લગ્ન કર્યા હતા. ૧૯૮૦ના દાયકામાં તેમની કારકિર્દીની શરૂઆત થઈ, જ્યારે તેઓ ટીવી શો 'યહ જો હૈ ઝિંદગી' (૧૯૮૪) માં ૫૫ અલગ-અલગ પાત્રો ભજવીને ઘરે-ઘરે જાણીતા બન્યા હતા.
સતીશ શાહના નિધનથી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર દુઃખનું મોટું પહાડ તૂટી પડ્યો છે, અને તેમને ચાહનારા લાખો દર્શકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
