<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

યુક્રેન શાંતિ સમજૂતી વિના પુતિન સાથે મુલાકાત નહીં - ડોનાલ્ડ ટ્રમ્પ હવે સમય બગાડવા માગતા નથી ! રશિયન દૂત વાટાઘાટો માટે અમેરિકા પહોંચ્યા

બુડાપેસ્ટમાં યોજાનારી સંભવિત ટ્રમ્પ-પુતિન બેઠકને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી: ટ્રમ્પે તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી હતી, જેને રશિયાએ નકારતાં આ બેઠક અટકી પડી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી યુક્રેન યુદ્ધ અંગે કોઈ નક્કર શાંતિ સમજૂતી તૈયાર નહીં થાય, ત્યાં સુધી તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને "સમય બગાડવા" માંગતા નથી. બીજી તરફ, રશિયાના એક વરિષ્ઠ દૂત કિરિલ દિમિત્રીવ યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત કરવા વોશિંગ્ટન પહોંચ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તાત્કાલિક કોઈ શિખર બેઠકની શક્યતાને નકારી કાઢી હતી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હું મારો સમય બગાડવા માંગતો નથી. જ્યાં સુધી તમે એ ન જાણતા હોવ કે તમે કોઈ સોદો (સમજૂતી) કરવા જઈ રહ્યા છો, ત્યાં સુધી બેઠકનો કોઈ અર્થ નથી."

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બુડાપેસ્ટમાં યોજાનારી સંભવિત ટ્રમ્પ-પુતિન બેઠકને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. અહેવાલો મુજબ, ટ્રમ્પે તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી હતી, જેને રશિયાએ નકારતાં આ બેઠક અટકી પડી હતી.

દરમિયાન, રશિયાના એક ટોચના વાટાઘાટકાર અને રાષ્ટ્રપતિ પુતિનના દૂત, કિરિલ દિમિત્રીવ, યુક્રેન યુદ્ધના ઉકેલ માટે ચર્ચા કરવા અમેરિકા પહોંચ્યા છે. તેમણે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે મુલાકાત કરી છે. દિમિત્રીવે એક મુલાકાતમાં આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે રશિયા, અમેરિકા અને યુક્રેન "રાજદ્વારી ઉકેલની ખૂબ નજીક" છે. જોકે, ટ્રમ્પના તાજા નિવેદનથી સ્પષ્ટ છે કે અમેરિકા કોઈ નક્કર પરિણામ વિના આગળ વધવા તૈયાર નથી.

(12:35 PM IST)