હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતનું વાયુ પ્રદૂષણ સંકટ માત્ર શ્વાસ જ નહીં, મગજ અને શરીર પર સીધો એટેક છે: યાદશક્તિ ઘટવા (ડિમેન્શિયા) જેવી બીમારીઓ પણ થઈ રહી છે: કોંગ્રેસની ચેતવણી
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભારતમાં વાયુ પ્રદૂષણની ભયાનક સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી: તેમણે કહ્યું કે ભારતના વર્તમાન હવા ગુણવત્તાના ધોરણો વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણો કરતાં આઠ ગણા વધુ નબળા છે

કોંગ્રેસ પક્ષે ભારતમાં વાયુ પ્રદૂષણની ગંભીર કટોકટી અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે આ સમસ્યા હવે માત્ર ફેફસાં કે શ્વસનતંત્ર પૂરતી સીમિત નથી, પરંતુ તે લોકોના મગજ અને શરીર પર સંપૂર્ણ હુમલો છે. પક્ષે 'રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ'માં આમૂલ સુધારા કરવા અને 'રાષ્ટ્રીય એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સ'ને તાત્કાલિક અપડેટ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે એક નિવેદનમાં ભારતમાં વાયુ પ્રદૂષણની ભયાનક સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, "ભારતમાં વાયુ પ્રદૂષણનું સંકટ હવે માત્ર શ્વસન સંબંધી સમસ્યા નથી રહી. તે આપણા મગજ અને શરીર પર સંપૂર્ણ હુમલો છે."
જયરામ રમેશે આંકડા રજૂ કરતાં દાવો કર્યો કે વર્ષ ૨૦૨૩માં ભારતમાં અંદાજે વીસ લાખ મૃત્યુ વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલા હતા, જે વર્ષ ૨૦૦૦ની સરખામણીમાં ૪૩ ટકાનો ચોંકાવનારો વધારો દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પીએમ ૨.૫ જેવા ઝીણા રજકણોના સંપર્કમાં આવવાથી હવે મગજને નુકસાન અને યાદશક્તિ ઘટવા (ડિમેન્શિયા) જેવી બીમારીઓ પણ થઈ રહી છે.
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે વર્ષ ૨૦૧૭માં 'રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ' (એનકેપ) શરૂ થવા છતાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતના વર્તમાન હવા ગુણવત્તાના ધોરણો વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) ની ભલામણો કરતાં આઠ ગણા વધુ નબળા છે.
કોંગ્રેસે માંગ કરી છે કે 'રાષ્ટ્રીય એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેન્ડર્ડ્સ' (એનએએક્યુએસ), જે છેલ્લે વર્ષ ૨૦૦૯માં સુધારવામાં આવ્યા હતા, તેને તાત્કાલિક ધોરણે અપડેટ કરવામાં આવે અને રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
