News of Sunday, 26th October 2025
પાકિસ્તાનનો દાદાગીરીભર્યો પગલું: નૌકાદળના વડાએ વિવાદિત 'સર ક્રીક'ની મુલાકાત લીધી, ભારતે ઉઠાવ્યો સખત વાંધો
એડમિરલ નવીદ અશરફે દરિયાઈ સરહદના રક્ષણની ખાતરી આપી; 2400 TD હોવરક્રાફ્ટ પાક. મરીનમાં સામેલ, ભારતે ગણાવ્યું 'ઈરાદાપૂર્વકનું લશ્કરી આક્રમણ'.

નવી દિલ્હી/કરાચી: ભારત સાથેની દરિયાઈ સરહદ પરના વિવાદિત સર ક્રીક (Sir Creek) વિસ્તારને લઈને પાકિસ્તાને ફરી એકવાર ઉશ્કેરણીજનક પગલું ભર્યું છે. પાકિસ્તાનના નૌકાદળના વડા, એડમિરલ નવીદ અશરફ એ આજે વિવાદિત ખાડી વિસ્તારમાં આવેલી પાકિસ્તાની નૌકાદળની અગ્રિમ ચોકીઓની મુલાકાત લીધી હતી, જેની ભારતે સખત નિંદા કરી છે.
ભારતની ટોચની ગુપ્તચર એજન્સીઓએ એડમિરલ અશરફની આ મુલાકાતને વિવાદિત દરિયાઈ વિસ્તારોમાં 'ઈરાદાપૂર્વકનું લશ્કરી આક્રમણ' અને શક્તિ પ્રદર્શન ગણાવ્યું છે. આ મુલાકાત ખાસ કરીને ભારતની ત્રિ-સેના સંયુક્ત કવાયત પહેલા આવી છે, જેને નવી દિલ્હી ગણતરીપૂર્વકનું પગલું માને છે.
એડમિરલ અશરફની મુલાકાતનો હેતુ સર ક્રીક વિવાદ પર પાકિસ્તાનનું હઠીલું વલણ અને તેની ઓપરેશનલ તૈયારી દર્શાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે.
નવા હોવરક્રાફ્ટ સામેલ: મુલાકાત દરમિયાન, પાકિસ્તાન નૌકાદળે ઔપચારિક રીતે ત્રણ અત્યાધુનિક ૨૪૦૦ ટીડી હોવરક્રાફ્ટ પાકિસ્તાન મરીનમાં સામેલ કર્યા. આ જહાજો છીછરા પાણી, રેતીના ટેકરા અને કાદવવાળા ભૂપ્રદેશમાં અસરકારક રીતે કાર્ય કરવા સક્ષમ છે.
એડમિરલ અશરફે નિવેદન આપ્યું કે પાકિસ્તાન સર ક્રીકથી જીવાની સુધી તેની દરિયાઈ સરહદના દરેક ઇંચનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ નવા જહાજોનો સમાવેશ "ખાડી વિસ્તારોના સંરક્ષણને મજબૂત બનાવવા માટે નૌકાદળના અટલ સંકલ્પનું પ્રતીક છે."
ભારતીય ગુપ્તચર સૂત્રો માને છે કે આ હાઇ-પ્રોફાઇલ પ્રવૃત્તિનો બેવડો હેતુ છે: તણાવ વધારવાનો અને સર ક્રીક વિવાદને આંતરરાષ્ટ્રીય મંચ પર પહોંચાડવાનો.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
