<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો - 'હું દર મહિને એક યુદ્ધ અટકાવું છું, હવે પાકિસ્તાન - અફઘાનિસ્તાનના ઝઘડાનો વારો'

થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર વખતે ટ્રમ્પે કહ્યું - 'મારા વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધો સમાપ્ત કરાવ્યા' : યુએન પર કટાક્ષ કરતા કહ્યું - 'આ કામ સંયુક્ત રાષ્ટ્રનું છે, પણ તેઓ કરતા નથી, મારે કરવું પડે છે!'

મલેશિયા, તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટો દાવો કર્યો હતો કે તેમના વહીવટીતંત્રે સત્તા સંભાળ્યાના માત્ર આઠ મહિનામાં જ આઠ સંઘર્ષો સમાપ્ત કર્યા છે, એટલે કે સરેરાશ દર મહિને એક યુદ્ધ રોક્યું છે. આ નિવેદન તેમણે થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ વિસ્તૃત યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે આપ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે હવે માત્ર એક જ સંઘર્ષ બાકી છે, જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તાજેતરમાં શરૂ થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ આ સંઘર્ષને પણ વહેલી તકે ઉકેલી લેશે. ટ્રમ્પે કહ્યું, "હું બંનેને જાણું છું. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને વડાપ્રધાન બંને ખૂબ સારા લોકો છે. મને ખાતરી છે, હું આને પણ વહેલી તકે ઉકેલી લઈશ."
સંયુક્ત રાષ્ટ્ર પર કટાક્ષ
પોતાના સંબોધનમાં ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (UN) પર કટાક્ષ કરતા કહ્યું, "કહેવું તો ન જોઈએ કે આ મારો શોખ છે, કારણ કે આ ખૂબ ગંભીર મામલો છે. પણ સાચું કહું તો હું આમાં સારો છું અને મને આ કરવું ગમે છે. જોકે આ કામ સંયુક્ત રાષ્ટ્ર (UN) ને કરવું જોઈએ, પણ તેઓ નથી કરતા."
ટ્રમ્પે UN પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે યુએનએ તેમનો ટેલિપ્રોમ્પ્ટર બંધ કરી દીધો હતો અને એસ્કેલેટર પણ યોગ્ય રીતે કામ કરી રહ્યું ન હતું. તેમણે કહ્યું, "યુએનમાં ઘણી ક્ષમતા છે, કાશ તેઓ કંઈક કરતા. તેમણે આ મુદ્દામાં અમારી સાથે કોઈ સહયોગ કર્યો નહોતો."
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયર ડીલ
ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ વિસ્તૃત યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. થાઈ વડાપ્રધાને બંને દેશો વચ્ચે શાંતિ જાળવવા માટે ટ્રમ્પના વ્યક્તિગત સમર્પણ બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે બંને દેશો ટૂંક સમયમાં હથિયારો હટાવવા અને યુદ્ધકેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરશે. જો આ જાહેરાત સંપૂર્ણપણે લાગુ થઈ, તો તે કાયમી શાંતિનો પાયો નાખશે.
વડાપ્રધાન ટ્રમ્પનો એશિયા પ્રવાસ
ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે મલેશિયા પહોંચીને તેમની પાંચ દિવસની એશિયા યાત્રા શરૂ કરી છે. જાન્યુઆરીમાં પદ સંભાળ્યા પછી વિદેશમાં તેમનો આ સૌથી લાંબો પ્રવાસ છે. ટ્રમ્પ કુઆલાલંપુરમાં શરૂ થઈ રહેલા આસિયાન (ASEAN) સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. મલેશિયા પછી તેઓ જાપાન જશે, જ્યાં તેઓ નવા ચૂંટાયેલા વડાપ્રધાન સના તાકા ઇચી સાથે મુલાકાત કરશે. આ પછી, દક્ષિણ કોરિયાના બુસાનમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમિટ પહેલા તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળશે.

 

(2:49 PM IST)