<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

મુંબઈ પોલીસના ઝોન 6 એન્ટી-નાર્કોટિક્સ સેલ અને તિલક નગર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં વસઈના પેલ્હારમાં ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ : ડ્રગ્સ ₹14 કરોડ અને કાચો માલ ₹1 કરોડ સાથે ૫ આરોપીની ધરપકડ

આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે : આ કામગીરી રાજ્યમાં ગેરકાયદેસર ડ્રગના વેપારને રોકવા માટે શરૂ કરવામાં આવી રહેલી ખાસ ઝુંબેશનો એક ભાગ

 મુંબઈ તા.૨૬ : મુંબઈ પોલીસના ઝોન 6 એન્ટી-નાર્કોટિક્સ સેલ અને તિલક નગર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં વસઈના પેલ્હારમાં ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. એમડી ડ્રગ બનાવતી ફેક્ટરી પેલ્હારના રાશિદ કમ્પાઉન્ડમાં કાર્યરત હતી, જે દુબઈના માસ્ટરમાઇન્ડ દ્વારા નિયંત્રિત હતી. પોલીસે ઓપરેશન દરમિયાન આશરે 7 કિલો એમડી ડ્રગ્સ અને મોટી માત્રામાં રસાયણો અને કાચો માલ જપ્ત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ડ્રગ્સની કિંમત આશરે ₹14 કરોડ છે, અને કાચા માલની કિંમત આશરે ₹1 કરોડ છે.

 

પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ચાર મુંબઈના અને એક નાલાસોપારાના છે. તપાસ ચાલુ છે અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલ છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

 

રેકેટમાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદોની પણ ટૂંક સમયમાં કરવામાં આવશે ધરપકડ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કામગીરી રાજ્યમાં ગેરકાયદેસર ડ્રગના વેપારને રોકવા માટે શરૂ કરવામાં આવી રહેલી ખાસ ઝુંબેશનો એક ભાગ છે. ડીસીપી ઝોન 6, સમીર શેખના માર્ગદર્શન હેઠળ ટીમે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પેલ્હારના રાશિદ કમ્પાઉન્ડમાં આવેલી આ ડ્રગ ફેક્ટરીનો ખાસ ઓપરેશન દરમિયાન પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસને આશા છે કે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

(3:03 PM IST)