<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

પીએમ મોદીના કાફલાની ગાડીઓ લોકલ કાર વૉશમાં! બિહારમાં સુરક્ષા ભંગની ગંભીર આશંકા, વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ : જુઓ વિડિયો

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ થતાં જ ઉઠ્યા સવાલો: SPG પ્રોટોકોલનું ઉલ્લંઘન? કાર વૉશના માલિકે એકાઉન્ટ ડિલીટ કર્યું, સત્તાવાર નિવેદનની રાહ

પટના: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં સામેલ વાહનોને બિહારના એક સ્થાનિક કાર વૉશ સેન્ટરમાં સાફ કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો કાર વૉશના માલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે બાદ તે ઝડપથી વાયરલ થયો. વીડિયોમાં વડા પ્રધાનના કાફલામાં નિયમિતપણે વપરાતી કાળી એસયુવી કાર દેખાય છે, જેમાં કાર નંબર પણ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે આ વાહન તે જ છે, જેનો ઉપયોગ પીએમ મોદી તેમની મુસાફરી દરમિયાન કરે છે.
વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેને વડા પ્રધાનની સુરક્ષા (SPG પ્રોટોકોલ) ની દૃષ્ટિએ અત્યંત ગંભીર ગણાવ્યો છે. એક યુઝરે ટિપ્પણી કરી, "પીએમની કાર સ્થાનિક કાર વૉશમાં ધોવાઈ રહી છે. પીએમના કાફલા માટે સરકારી સેટઅપમાં સમર્પિત વૉશિંગ અને સર્વિસિંગ એરિયા હોય છે, જેનું નિરીક્ષણ SPG દ્વારા થાય છે. તો આ કેવી રીતે થયું? આ એક મોટું સુરક્ષા જોખમ છે."
જોકે, વીડિયો પોસ્ટ કરનાર કાર વૉશ સેન્ટરના માલિક વિશ્વકર્મા મોટર વિજયનું ઇન્સ્ટાગ્રામ પેજ હવે ડિલીટ કરી દેવામાં આવ્યું છે.
આ વીડિયો બિહારની મુલાકાત દરમિયાનનો હોવાનું કહેવાય છે. જોકે, આ ગંભીર સુરક્ષા બાબતે વડાપ્રધાન કાર્યાલય કે SPG તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ ઘટનાની તપાસની માંગ કરી રહ્યા છે.

 

(3:31 PM IST)