<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

બોલીવુડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા સતીશ શાહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન : સુમીત રાઘવને તેમના ઑન-સ્ક્રીન પિતાને કાંધ આપી

દિગ્દર્શક અશોક પંડિત , નીલ નીતિન મુકેશ, નસીરુદ્દીન શાહ, ફરાહ ખાન, જેકી શ્રોફ અને દિલીપ જોશી સહિતના કલાકારોએ અંતિમ દર્શન કર્યા

મુંબઈ તા.૨૬ : બોલીવુડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા સતીશ શાહનું શનિવાર, 25 ઑક્ટોબરના રોજ બપોરે 74 વર્ષની વયે નિધન થયું છે. સતીશ શાહ લાંબા સમયથી કિડની સંબંધિત ગંભીર સમસ્યાથી પીડિત હતા.

સતીશ શાહના અંતિમ સંસ્કાર સંપન્ન

શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે ભોજન લેતી વખતે તેઓ અચાનક બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હિન્દુજા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર  કર્યા. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે (વેસ્ટ) સ્થિત પવન હંસ સ્મશાન ભૂમિ માં કરવામાં આવ્યા.

શ્રદ્ધાંજલિ આપવા કલાકારો ઉમટ્યા 

શનિવારે સવારથી જ સતીશ શાહનો પાર્થિવ દેહ હિન્દુજા હોસ્પિટલથી તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફિલ્મ અને ટીવી જગતની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં તેમના ઑન-સ્ક્રીન પુત્રનું પાત્ર ભજવનાર સુમીત રાઘવ, દિગ્દર્શક અશોક પંડિત , નીલ નીતિન મુકેશ, નસીરુદ્દીન શાહ, ફરાહ ખાન, જેકી શ્રોફ અને દિલીપ જોશી સહિતના કલાકારોએ તેમના અંતિમ દર્શન કર્યા. સુમીત રાઘવને તેમના ઑન-સ્ક્રીન પિતાને કાંધ આપી  હતી. જોકે, તેમને મુખાગ્નિ કોણે આપી તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.

 

અભિનેતાના યાદગાર પાત્રો અને કરિયર

સતીશ શાહે 1970માં ફિલ્મ 'ભગવાન પરશુરામ' થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 250 થી વધુ ફિલ્મો અને અનેક ટીવી શોમાં યાદગાર અભિનય કર્યો છે. ટીવી પર તેમને વર્ષ 1984માં આવેલી સિરિયલ 'યે જો હૈ જિંદગી' (Yeh Jo Hai Zindagi) માં 55 એપિસોડમાં 55 અલગ-અલગ પાત્રો ભજવવા બદલ વિશેષ ઓળખ મળી હતી. જોકે, તેમને ઘર-ઘરમાં લોકપ્રિયતા અપાવનારું પાત્ર 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' માં 'ઇન્દ્રવદન સારાભાઈ'નું હતું. આ ઉપરાંત, તેમણે 'કલ હો ના હો', 'મૈં હૂં ના', 'ફના', 'ઓમ શાંતિ ઓમ' અને 'હમ સાથ સાથ હૈં' જેવી મોટી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી.

'સારાભાઈ' ટીમના સભ્યો ભાવુક – Sarabhai Vs Sarabhai Cast

સુમીત રાઘવન (ઑન-સ્ક્રીન પુત્ર) એ ભાવુક થઈને કહ્યું કે, "સતીશ કાકા અમારા પરિવારના સ્તંભ હતા, તેમણે અમને હસતા અને જીવતા શીખવ્યું." અભિનેતા જ્હોની લીવરે જણાવ્યું કે, "સતીશ મારા 40 વર્ષ જૂના મિત્ર હતા. કોલકાતામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી તેઓ સ્વસ્થ હતા, પણ અચાનક ભોજન લેતી વખતે ઢળી પડ્યા." રાજેશ કુમારે (ઑન-સ્ક્રીન પુત્ર) તેમને "પિતા સમાન વ્યક્તિ" ગણાવ્યા. રાજેશ બેદીએ કહ્યું કે, "આજે મેં મારો સૌથી પ્રિય મિત્ર ગુમાવી દીધો." મુંબઈના માંડવીમાં જન્મેલા સતીશ શાહે જેવિયર કૉલેજ અને FTII પૂણેથી અભ્યાસ કર્યો હતો. તેઓ તેમની પત્ની મધુ શાહ (ફેશન ડિઝાઇનર) સાથે રહેતા હતા. તેમનું નિધન માત્ર ઇન્ડસ્ટ્રી માટે નહીં, પરંતુ લાખો દર્શકો માટે એક ભાવનાત્મક ક્ષણ છે.

(3:47 PM IST)