News of Monday, 27th October 2025
પહેલા પાકિસ્તાની જનરલ અને હવે ભારતનો જાની દુશ્મન યુનુસનો મહેમાન બનશેઃ કટ્ટરપંથી ઉપદેશક ઝાકિર નાઈકનું સ્વાગત કરવા બાંગ્લાદેશ ઉત્સુક
બાંગ્લાદેશનું આ પગલું ભારત સાથેના તેના સંબંધોને સીધા બગાડી રહ્યું છેઃ શેખ હસીનાના નિર્ણયને ઉલટાવ્યો

નવી દિલ્હી, તા.૨૭: મુહમ્મદ યુનુસના નેતળત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતમાં વોન્ટેડ વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક અને ભાગેડુ ઝાકિર નાઈકનું બાંગ્લાદેશમાં સ્વાગત કરવાની મંજૂરી આપી છે. યુનુસ સરકારે નાઈક માટે એક મહિનાના રાષ્ટ્રવ્યાપી પ્રવાસને મંજૂરી આપી છે, જે બાંગ્લાદેશની તેમની પ્રથમ મુલાકાત હશે. યુનુસનું આ પગલું ભારત પર સીધો હુમલો છે કારણ કે ભારત ઝાકિર નાઈકને ગુનેગાર માને છે, અને બાંગ્લાદેશ તેમનું રેડ-કાર્પેટ સ્વાગત કરવા તૈયાર છે.
આ કાર્યક્રમના આયોજક કહે છે કે સરકાર આ મુલાકાતને માત્ર પરવાનગી આપતી નથી, પરંતુ અધિકારીઓ પણ તેને સુવિધા આપી રહ્યા છે. ઝાકિર નાઈકનો પ્રવાસ ૨૮ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે અને તેને બાંગ્લાદેશ તરફથી સરકારી પરવાનગી મળી ગઈ છે. બાંગ્લાદેશમાં, ઝાકિર નાઈક ધાર્મિક ઉપદેશોના નામે ઉગ્રવાદને વેગ આપશે, જ્યારે શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ બેસીને તાળીઓ પાડશે.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ નાઈક પર પ્રતિબંધ મૂકયો હતો. જુલાઈ ૨૦૧૬ માં ઢાકા હોલી આર્ટિસન બેકરી આતંકવાદી હુમલા બાદ હસીના સરકારે ઝાકિર નાઈકની પીસ ટીવી ચેનલ પર પ્રતિબંધ મૂકયો હતો. બેકરી હુમલા પછી નાઈક ભારતમાંથી ભાગી ગયો હતો, જ્યારે એક હુમલાખોરે બાંગ્લાદેશી તપાસકર્તાઓને કહ્યું હતું કે તે નાઈકના યુટયુબ ચેનલ પરના તેમના ભાષણોથી પ્રભાવિત હતો. ઝાકિર નાઈક ત્યારથી ભાગેડુ છે, ભારતમાં નફરતભર્યા ભાષણ અને સાંપ્રદાયિક અસંતોષ ભડકાવવાના આરોપોનો સામનો કરી રહ્યો છે.
ઝાકિર નાઈક ભારતમાંથી ભાગી ગયો અને મલેશિયામાં આશરો લીધો. ભારતે વારંવાર મલેશિયાથી તેના પ્રત્યાર્પણની માંગ કરી છે, જ્યાં તે ૨૦૧૬ થી રહે છે, પરંતુ મલેશિયાની સરકારે હજુ સુધી સંમતિ આપી નથી. ગયા વર્ષે, પાકિસ્તાને ઝાકિર નાઈકને આવી જ યાત્રા માટે પરવાનગી આપી હતી, અને હવે, બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ, તેને ઉગ્રવાદ ફેલાવવાની છૂટ આપવામાં આવી રહી છે
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
